10 January, 2026 10:30 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કલકત્તામાં મમતા બૅનરજીની રૅલીમાં હજારો લોકો એકઠા થઈ ગયા હતા
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના IT સેલના ચીફના ઘર અને ઑફિસ પર ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની રેઇડના વિરોધમાં TMCએ દિલ્હીથી કલકત્તા સુધી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કલકત્તામાં રૅલી કાઢીને ED પર બે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પણ દાખલ કર્યા હતા. તેમણે ગૃહપ્રધાન અમિત શાહને ઉઘાડા પાડતી એક પૅન ડ્રાઇવ હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે ‘દિલ્હીમાં BJPના વરિષ્ઠ નેતાઓ સુધી કોયલા ગોટાળાની રકમ પહોંચે છે. મારી પાસે એનો પુરાવો છે. જરૂર પડશે તો હું એને જનતા સામે રજૂ કરીશ. કોયલા કૌભાંડના પૈસા સુવેન્દુ અધિકારીએ વાપર્યા અને અમિત શાહને મોકલ્યા હતા. હું સામાન્ય રીતે પ્રતિક્રિયા નથી આપતી, પરંતુ મને જો કોઈ છેડે તો તેમને છોડતી પણ નથી.’
મમતા બૅનરજીએ FIRમાં EDની રેઇડને અનઑથોરાઇઝડ ગણાવી હતી અને આરોપ મૂક્યો હતો કે EDના અધિકારીઓ પાર્ટીના મહત્ત્વના દસ્તાવેજો લઈ ગયા છે.
ગુરુવારે મમતા બૅનરજી રેઇડના સ્થળેથી દસ્તાવેજો લઈને જતાં રહ્યાં એ EDએ હાઈ કોર્ટમાં કરેલી અરજીની ગઈ કાલે કલકત્તા હાઈ કોર્ટમાં સુનાવણી હતી, પરંતુ કોર્ટ-પરિસરમાં ભારે ભીડે એકઠી થઈને નારાબાજી શરૂ કરતાં કોર્ટમાં સુનાવણી ટળી ગઈ હતી.
દિલ્હીમાં ગૃહમંત્રાલયની બહાર પ્રદર્શન કરી રહેલાં TMCનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રા
શુક્રવારે સવારે જ TMCના ૮ સંસદસભ્યો દિલ્હીમાં ગૃહમંત્રાલયની બહાર પ્રદર્શન કરવા પહોંચી ગયા હતા. એમાં સંસદસભ્યો ડૅરેક ઓ બ્રાયન, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ નારાબાજી કરતા જોવા મળ્યાં હતાં. એ દરમ્યાન ધક્કામુક્કી વધતાં પોલીસે સંસદસભ્યોને ૧૦ વાગ્યે પકડી લીધા હતા અને સાંજે ૪ વાગ્યે છોડ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની રેઇડના મામલે ગઈ કાલે કલકત્તા હાઈ કોર્ટમાં તપાસ-એજન્સી અને બંગાળ સરકાર વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને સુનાવણી વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ હતી કે સુનાવણીને મુલતવી રાખવી પડી હતી. EDએ પોતાના કામમાં દખલગીરી અને અધિકારીઓને ધમકાવવાનો આરોપ લગાવતી અરજી હાઈ કોર્ટમાં દાખલ કરી છે. EDનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) ૨૦૦૨ની કલમ ૧૭ હેઠળ એજન્સી જ્યારે તલાશી લઈ રહી હતી ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. એજન્સીનો દાવો છે કે મમતા બૅનરજીને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં દખલ ન કરે, પરંતુ એમ છતાં પરિસ્થિતિ વણસી હતી.
EDના જણાવ્યા મુજબ બપોરે ૧૨.૦૫ વાગ્યે મુખ્ય પ્રધાન ઘટનાસ્થળે આવ્યાં હતાં અને પછી ઘટનાક્રમ ઝડપથી બદલાયો હતો. સૂત્રોનો આરોપ છે કે મુખ્ય પ્રધાને ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિનો મોબાઇલ ફોન પોતાની પાસે લીધો હતો. વધુમાં EDનો દાવો છે કે પોલીસ-અધિકારીઓને પંચનામામાં રિકવરી નહીં બતાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને જો તેઓ આમ નહીં કરે તો EDના અધિકારીઓની ધરપકડ કરવાની ધમકી આપી હતી.
એજન્સીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે EDના ફક્ત ૩ અધિકારીઓ હાજર હતા, જ્યારે ડઝનબંધ પોલીસ-અધિકારીઓ અને મુખ્ય પ્રધાનની Z કૅટેગરી-સુરક્ષા તહેનાત હતી. EDનું કહેવું છે કે અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓને પણ કથિત રીતે પરેશાન કરવામાં આવ્યા હતા.