20 October, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સિનિયર ઑફિસરો સાથે આશિષ શેલાર, ભારત ડાયમન્ડ બુર્સના પ્રેસિડન્ટ અનુપ મહેતા, વાઇસ પ્રેસિડન્ટ મેહુલ શાહ, જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચૅરમૅન કિરીટ ભણસાલી, મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ અસોસિએશનના પ્રેસિડન્ટ ભરત શાહ અને ભૂતપૂર્વ સંસદસભ્ય પૂનમ મહાજન ટપાલટિકિટના અનાવરણ પ્રસંગે.
વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ ટ્રેડિંગ એક્સચેન્જ તરીકે ખ્યાતનામ ભારત ડાયમન્ડ બુર્સ (BDB)ને ૪૧ વર્ષ અને BKCમાં ૨૦૧૦ની ૧૭ ઑક્ટોબરે ઑપરેશન શરૂ કર્યાને ૧૫ વર્ષ પૂરાં થયાં છે. પોસ્ટલ વિભાગે આ અવસરને બિરદાવવા માટે ખાસ ૫૦૦ રૂપિયાની સ્મારક પોસ્ટલ સ્ટૅમ્પ શુક્રવારે બહાર પાડી હતી.
સ્ટૅમ્પનું લોકાર્પણ રાજ્યના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને કલ્ચરલ મિનિસ્ટર ઍડ્વોકેટ આશિષ શેલારે કર્યું હતું. આ પ્રસંગે ભારત ડાયમન્ડ બુર્સના પ્રેસિડન્ટ અનુપ મહેતા, વાઇસ પ્રેસિડન્ટ મેહુલ શાહ, જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચૅરમૅન કિરીટ ભણસાલી, મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ અસોસિએશનના પ્રેસિડન્ટ ભરત શાહ અને ભૂતપૂર્વ સંસદસભ્ય પૂનમ મહાજન હાજર
રહ્યાં હતાં.
આ પ્રસંગે અનુપ મહેતાએ કહ્યું હતું કે ‘ભારત ડાયમન્ડ બુર્સનો આ પ્રવાસ દૂરદૃષ્ટિ, એકતા અને ખંત પર ટેકેલો છે. ચાર દાયકા પહેલાં આવો ગ્લોબલ ટ્રેડિંગ હબ બનાવવાનો સાહસિક વિચાર રજૂ કરવામાં આવ્યો હતો અને એ અમલમાં મુકાયો હતો. આજે એ ભારતના હીરાઉદ્યોગમાં ભાઈચારાની એક મિસાલ તરીકે મજબૂતીથી ઊભું છે. અમારી સફળતા એ ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને ટીમવર્કને કારણે છે જે આ ઇન્ડસ્ટ્રીના ખરા હીરા છે.’
ભારત ડાયમન્ડ બુર્સના વાઇસ પ્રેસિડન્ટ મેહુલ શાહે કહ્યું હતું કે ‘આજે આપણે ભારત ડાયમન્ડ બુર્સનાં ૪૧ વર્ષ અને ભારત ડાયમન્ડ બુર્સ કૉમ્પ્લેક્સનાં ૧૫ વર્ષની જે ઉજવણી કરી રહ્યા છીએ એ ખરું જોતાં એની શ્રેષ્ઠતાની સ્ટૅમ્પ છે. અમારું ફોકસ હંમેશાં ઇનોવેશન, સસ્ટેનિબિલિટી અને દેશને વિશ્વ સ્તરે મજબૂત બનાવવા પર રહ્યું છે. આ જે સ્ટૅમ્પ રિલીઝ કરવામાં આવી છે એ બુર્સના દરેક સભ્ય જેમણે બુર્સને શ્રેષ્ઠ આપવાના પ્રયાસ કર્યા છે તેમને માટેની માનવંદના છે. ખાસ કહીશ કે બુર્સના નાના અને મધ્યમ વેપારીઓનું આમાં બહુ મોટું યોગદાન છે. ધંધા ઉપરાંત ભારત ડાયમન્ડ બુર્સ એની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી પણ નિભાવી જાણે છે જેમાં લોકકલ્યાણ, એજ્યુકેશન, પર્યાવરણની જાળવણી અને અન્ય બાબતોનો સમાવેશ છે. એ હીરાબજાર સાથે સંકળાયેલા લોકો સહિત અન્ય લોકોના જીવનસ્તરને પણ ઊંચું લાવવા અને તેમનો વિકાસ કરવા સતત કાર્યશીલ રહ્યું છે.’