08 July, 2025 08:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રવીણ ખંડેલવાલ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભાના સભ્ય પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને નવી દિલ્હી રેલવે-સ્ટેશનનું નામ બદલીને એને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ આપવાની વિનંતી કરી છે.
આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘નવી દિલ્હી રેલવે-સ્ટેશનનું કેન્દ્રીય સ્થાન અને મહત્ત્વ એને સ્વપ્નદ્રષ્ટા નેતાના નામે રાખવા માટે યોગ્ય સ્થળ બનાવે છે. તેમનું જીવન અને વારસો લાખો લોકોને પ્રેરણા આપે છે. દિલ્હી અટલજીનું કાર્યસ્થળ હતું. પીઢ નેતાને આ શહેર સાથે ઊંડો ભાવનાત્મક સંબંધ હતો. નવી દિલ્હી રેલવે-સ્ટેશનનું નામ બદલીને તેમનું નામ રાખવું એ રાષ્ટ્ર પ્રત્યેની તેમની આજીવન સેવાને યોગ્ય શ્રદ્ધાંજલિ હશે. અટલ બિહારી વાજપેયી ભારતને આર્થિક સુધારા, માળખાગત વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા યુગમાં દોરી ગયા હતા. તેમના સમાવેશી રાજકારણ, ગૌરવપૂર્ણ નેતૃત્વ અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાથી તેઓ ભારતના લોકોમાં ખૂબ આદરપૂર્ણ નેતા બની શક્યા હતા.’
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં દિલ્હીનાં મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ વિનંતી કરી હતી કે જૂના દિલ્હી રેલવે-સ્ટેશનનું નામ બદલીને અગ્રોહાના સુપ્રસિદ્ધ રાજા મહારાજા અગ્રસેન રાખવામાં આવે, જેઓ સામાજિક ન્યાય અને આર્થિક દૂરંદેશીનું પ્રતીક હતા.