18 November, 2024 02:33 PM IST | Puducherry | Gujarati Mid-day Correspondent
પૉન્ડિચેરી
વિશ્વનાં ફરવાલાયક સ્થળો અને પ્રવાસન વિશેની માહિતી પૂરી પાડતા વિશ્વવિખ્યાત ટ્રાવેલ-મૅગેઝિન ‘લોન્લી પ્લૅનેટ’એ ૨૦૨૫ માટેની ‘બેસ્ટ ઇન ટ્રાવેલ’ એટલે કે ફરવા માટેનાં શ્રેષ્ઠ ૩૦ સ્થળોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં શ્રેષ્ઠ ૩૦ ફરવાલાયક શહેરો, દેશો અને વિસ્તારો સમાવ્યાં છે, એમાં ભારતના એકમાત્ર પૉન્ડિચેરી શહેરનો સમાવેશ થયો છે. આ યાદી પ્રમાણે ફરવા યોગ્ય શ્રેષ્ઠ દેશ તરીકે કઝાખસ્તાન પ્રથમ ક્રમે છે, જ્યારે ફ્રાન્સનું ટુલુઝ શહેર પહેલા નંબરે છે. દક્ષિણ ભારતમાં પૉન્ડિચેરી ચેન્નઈથી માત્ર ૪ કલાકના અંતરે આવેલું રમણીય શહેર છે. સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના સમન્વય જેવા દરિયાઈ વિસ્તાર પૉન્ડિચેરીમાં મુસાફરોને જોઈતી તમામ બાબતો છે. અહીં દરિયાના ભેજની સાથોસાથ સ્થાનિક લોકાેના હૂંફાળા આવકારનું મિશ્રણ છે તો ફ્રાન્સ અને દક્ષિણ ભારતીય પ્રણાલીનું મિશ્રણ પણ છે. પૉન્ડિચેરી ૧૯૫૪ સુધી ફ્રાન્સની આઉટપોસ્ટ હતું. અહીં ફરવા માટે ફેબ્રુઆરી સૌથી શ્રેષ્ઠ મહિનો છે અને ચોમાસા પછી ત્યાંનું વાતાવરણ ઠંડું અને શુષ્ક રહેતું હોય છે. અહીં રસ્તાની બન્ને બાજુએ વૃક્ષોની હારમાળા, મસ્ટર્ડ રંગની વિલા અને રમણીય સ્થળો આજે પણ ફ્રાન્સ સ્થાપત્ય અને સંસ્કૃતિને વાગોળે છે. પૉન્ડિચેરીમાં ‘યુનિવર્સલ ટાઉનશિપ’ ઑરોવિલની ખાસ મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવી છે, જ્યાં દુનિયાભરના લોકો એકસાથે એક પ્રયોગાત્મક સમુદાય તરીકે રહે છે. પૉન્ડિચેરીનો ઑરોબિન્દો આશ્રમ પણ મસ્ટ-વિઝિટ જગ્યા છે.