04 September, 2025 09:28 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પોતાની આંખોની રોશની ગુમાવનારા ભારતીય જવાન શામ સિંહ
૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પોતાની આંખોની રોશની ગુમાવનારા ભારતીય જવાન શામ સિંહને યુદ્ધ વખતે ક્ષતિના પેન્શનના હકદાર ગણાવીને પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે જે લોકોએ દેશની રક્ષા માટે જાન અને સ્વાસ્થ્યનું બલિદાન આપ્યું છે તેમની સાથે અન્યાય થવો જોઈએ નહીં. સરકારે આવી અરજીનો વિરોધ કરવાને બદલે સ્વયં સામે આવીને સૈનિકોને વિવિધ યોજનાઓનો લાભ આપવો જોઈએ.
આ સૈનિકના પરિવારે ૪૪ વર્ષ બાદ પેન્શન માટે અરજી કરી હતી. સેનાએ લાંબા સમય બાદ અરજી કરવામાં આવી છે એમ કહીને એ અરજી ફગાવી દીધી હતી. ૧૯૭૧ના યુદ્ધમાં ડિસેમ્બર મહિનામાં સરહદ પર પાકિસ્તાની બૉમ્બ શામ સિંહ પાસે પડ્યો હતો જેમાં તેની આંખોને નુકસાન થયું હતું. સેનાની હૉસ્પિટલમાં સારવાર બાદ તેને ૧૯૭૩ની બાવીસમી જાન્યુઆરીએ સેવાનિવૃત્ત કરવામાં આવ્યો હતો. યુવાનીમાં દિવ્યાંગ થવાથી તેનું જીવન ઘણી મુશ્કેલીમાં વીત્યું હતું.