પુરીની રથયાત્રામાં વહેલી સવારે ત્રાટક્યું મોત

30 June, 2025 08:46 AM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Correspondent

નાસભાગમાં ત્રણ વ્યક્તિના જીવ ગયા, પચાસથી વધારે ઘાયલ

ગઈ કાલે રથયાત્રામાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારી વ્યક્તિઓના સ્વજનોના આક્રંદથી હૉસ્પિટલમાં માતમ છવાઈ ગયો હતો.

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમ્યાન ગઈ કાલે સવારે થયેલી નાસભાગમાં ત્રણ ભક્તોએ જીવ ગુમાવ્યા હતા. આ નાસભાગ સવારે ૪.૩૦ વાગ્યે શ્રી ગુંડિચા મંદિર પાસે બની હતી, જગન્નાથ મંદિર અહીંથી ત્રણેક કિલોમીટર દૂર છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના રથ શ્રી ગુંડિચા મંદિર પાસે હતા ત્યારે દર્શન માટે ભક્તોનો જબરદસ્ત ધસારો થયો હતો અને એ વખતે કેટલાક લોકો પડી ગયા હતા, જેને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં જીવ ગુમાવનારા ત્રણ જણમાં બે મહિલા હતી. પચાસથી વધુ લોકો ઘાયલ થયા હતા. 

મુખ્ય પ્રધાને ભક્તોની માફી માગી, સિનિયર ઑફિસરોને ટ્રાન્સફર અને સસ્પેન્ડ કર્યા, પચીસ લાખનું વળતર જાહેર કર્યું

પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમ્યાન થયેલી નાસભાગમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા એને પગલે ઓડિશા સરકારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને સુપરિન્ટેન્ડન્ટને ટ્રાન્સફર કરી દીધા હતા અને બે સિનિયર પોલીસ ઑફિસરોને સસ્પેન્ડ કરી દીધા હતા. ઓડિશા સરકારે આ ઘટનાની તપાસનો પણ આદેશ આપ્યો છે.

ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ આ ઘટના બદલ ભગવાન જગન્નાથના ભક્તોની માફી માગી હતી. તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે હું વ્યક્તિગત રીતે અને મારી સરકાર ભગવાન જગન્નાથના તમામ ભક્તોની માફી માગીએ છીએ.

નાસભાગમાં જીવ ગુમાવનારી વ્યક્તિના પરિવાર માટે ઓડિશા સરકારે પચીસ લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

odisha jagannath puri Rathyatra national news news religion religious places hinduism