26 October, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન
ચીનથી પાછા આવ્યા પછી વડા પ્રધાને કરેલી એક રહસ્યમય ટિપ્પણી યાદ છે?
નરેન્દ્ર મોદી SCOમાં જઈને આવ્યા એ પછી ભારતમાં એક જનસભામાં તેમને તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા ત્યારે તેમણે કોઈકને ગર્ભિત સંદેશો આપતા હોય એમ કહેલું, ‘શું તમે તાળી એટલા માટે વગાડી રહ્યા છો કેમ કે હું ત્યાં ગયો હતો? કે પછી એટલા માટે વગાડો છો કે હું પાછો આવી ગયો છું.’ શરૂઆતમાં તો આને હલકીફુલકી ટિપ્પણી જ માનવામાં આવી, પરંતુ સુરક્ષાના અંદાજથી એવું કહી શકાય કે વડા પ્રધાનને પણ તેમની સામેના ગંભીર ખતરાનો અહેસાસ હતો અને એની સ્વીકૃતિ તેમણે હળવાશથી આપી જે લાગતાવળગતા લોકોને પહોંચી જાય.
ચીનમાં શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ૪૫ મિનિટ પોતાની કારમાં બેસીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહ કેમ જોઈ હતી? પુતિને પ્રોટોકોલ તોડીને કેમ નરેન્દ્ર મોદીને પોતાની કારમાં બેસાડ્યા? સીક્રેટ સૂત્રોના કહેવા મુજબ રાષ્ટ્રપતિ પુતિનનો આ ઇશારો માત્ર સૌહાર્દપૂર્ણ વ્યવહાર નહોતો, વડા પ્રધાન મોદીની સલામતી માટેનો મહત્ત્વપૂર્ણ ઉપાય પણ હતો. ખુફિયા સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે રશિયન સીક્રેટ એજન્સીઓએ નરેન્દ્ર મોદીના જીવ પર ખતરો હોવાનો સંકેત આપતા અત્યંત સંવેદનશીલ કમ્યુનિકેશનને પકડી પાડ્યું હતું. રશિયન એજન્સીઓએ ભારતીય સુરક્ષા એજન્સી સાથે આ વાત શૅર કરી હતી અને છેક છેલ્લી ઘડીએ સીક્રેટ કાર્યવાહી કરતાં પુતિને ભારપૂર્વક કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમના પહેલેથી નિર્ધારિત ભારતીય કાફલાને છોડીને મારા પ્રાઇવેટ અને અત્યાધિક સુરક્ષાયુક્ત સત્તાવાર વાહનમાં જ આવે.
અમેરિકા અને એની કુખ્યાત ઇન્ટેલિજન્સ વિન્ગ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) વિશ્વભરમાં ખુફિયા કામો કરવા માટે જાણીતી છે. શાંઘાઈ શિખર સંમેલન સમાપ્ત થયાના થોડા જ દિવસોમાં આ સ્થિતિની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ ગઈ હતી. ૩૧ ઑગસ્ટે બંગલાદેશમાં અમેરિકી સેનાના સ્પેશયલ ફોર્સ ઑફિસર ટેરેન્સ જૅક્સનનું રહસ્યમય મૃત્યુ થયું હતું. એક હાઇ-પ્રોફાઇલ અને હાઈ સિક્યૉરિટી હોટેલમાં આ અધિકારીનું મૃત્યુ જેટલું રહસ્યમય હતું એટલી જ રહસ્યમય હતી અમેરિકન દૂતાવાસની ગતિવિધિઓ. બંગલાદેશ પોલીસે જેવી ટેરેન્સ જૅક્સનના મૃત્યુની પુષ્ટિ કરી કે તરત જ અમેરિકન દૂતાવાસના અધિકારીઓએ હોટેલના રૂમને પોતાના કબજામાં કરી લીધો. જૅક્સનનો પર્સનલ સામાન પણ ફટાફટ હટાવી દીધો અને તમામ સ્થાનીય તપાસના પ્રોટોકોલને કોરાણે મૂકીને ટેરેન્સના શબને તાબડતોબ અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરી નાખી. હોટેલના CCTV કૅમેરાનાં ફુટેજમાં કેટલીક અજ્ઞાત અને સંદિગ્ધ વ્યક્તિઓને પણ આવતા-જતા જોવામાં આવ્યા હતા.
ટેરેન્સ જૅક્સનના મૃત્યુ પછી ઢાકા અને ચટગાંવમાં કમ સે કમ ત્રણ અન્ય અમેરિકન સિક્યૉરિટી કૉન્ટ્રૅક્ટર્સ અને ભૂતપૂર્વ અમેરિકન મિલિટરી સૈનિક મૃત મળી આવ્યા. સત્તાવાર રીતે તેમને ટેરેન્સના મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી એવું જણાવવામાં આવ્યું; પરંતુ ઘટનાઓની પૅટર્ન, સમય અને મૃત્યુના તપાસકર્તાઓને એ વાત માનવા પર મજબૂર થવું પડ્યું કે આ તમામ મૃત્યુઓ આપસમાં કોઈક રીતે તો જોડાયેલાં છે જ.