✕

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથેે રાહુલ-‌પ્રિયંકાએ ‌દિવસભર ‌દિલ્હી ગજાવ્યું

07 October, 2026 01:06 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સંસદભવનથી ચૂંટણીપંચ તરફ જતી વખતે અટકાવવામાં આવ્યાં ત્યારે બન્ને બૅ‌રિકેડ પર ચડી ગયાં, આકાશવાણી ભવનમાં ધરણાં પર બેઠાં, રાત્રે અટકાયત અને બે કલાકે છુટકારો

બૅ‌રિકેડ પર ચડી ગયેલા રાહુલ ગાંધી.

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે મંગળવારે સંસદભવનથી ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI) તરફ કૂચ કરી રહેલાં કૉન્ગ્રેસનાં સંસદસભ્ય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે રોકતાં દિલ્હીમાં ભારે ડ્રામા સર્જાયો હતો. આકાશવાણી ભવનમાં ધરણાં પર બેઠેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આસપાસ દિવસભર હાઈ-વૉલ્ટેજ ડ્રામા ચાલ્યા બાદ મોડી રાત્રે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી અને બે કલાક પછી તેમને છોડી દેવાયાં હતાં.
બપોરે ૨.૩૫ વાગ્યે (બૅરિકેડ પર ચડીને વિડિયો-સંદેશ) : સંસદસભ્યો સાથે ચૂંટણીપંચ તરફ આગળ વધતાં પોલીસે અટકાવ્યા ત્યારે રાહુલ ગાંધી બૅરિકેડ પર ચડી ગયા હતા અને વિડિયો-સંદેશ આપીને કહ્યું હતું કે અમે વોટચોરી વિશે સવાલ કરવા માગીએ છીએ પણ પોલીસ રોકી રહી છે.
બપોરે ૨.૪૫ વાગ્યે (આકાશવાણી ભવન પરિસરમાં પ્રવેશ) : પોલીસના અવરોધ વચ્ચે ચૂંટણીપંચની ઑફિસ સુધી પહોંચવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવન પરિસરમાં દાખલ થઈ ગયાં હતાં.
બપોરે ૩.૩૦ વાગ્યે (દેશદ્રોહનો આકરો આરોપ) : પરિસરમાંથી નિવેદન આપતાં રાહુલે કહ્યું હતું કે બંધારણીય સંસ્થાઓને હાઇજૅક કરીને વોટચોરી કરવામાં આવી રહી છે જે દેશ સાથે ગદ્દારી અને દેશદ્રોહ સમાન છે.
સાંજે ૪.૩૫ વાગ્યે (પોલીસ સામે આકરા સવાલો) : પોલીસે ખસવાનું કહેતાં રાહુલે સવાલ કર્યો હતો કે ‘તમે મને ત્યાંથી હટાવ્યો અને હવે અહીંથી પણ હટાવો છો, તો હું આ દેશમાં ક્યાં બેસું? ઇન્ડિયા ગેટ પર બેસું, જંતર-મંતર પર બેસું કે રસ્તા પર બેસું?’
સાંજે ૫.૧૫ વાગ્યે (ગાદલાં લવાયાં, પ્રિયંકા ગાંધીની દલીલો) : લાંબાં ધરણાંની તૈયારી સાથે કાર્યકરોએ જાજમ અને ગાદલાં પાથર્યાં હતાં. પ્રિયંકા ગાંધીએ

પોલીસ-કર્મચારીઓ સાથે ચર્ચા કરીને લોકશાહી ઢબે વિરોધ કરવાનો અધિકાર હોવાની દલીલ કરી હતી.

સાંજે ૬.૦૦ વાગ્યે (રૂબરૂ મોઢા પર કહેવાનો પડકાર) : રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે માત્ર CECને મળીને તેમણે વોટચોરી કરી છે એવું મોઢા પર કહેવા માગીએ છીએ છતાં સંસદસભ્યોને રોકીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે.
રાત્રે ૮.૦૦ વાગ્યે (પોલીસ-વૅનમાં અટકાયત) : કલાકો સુધી ચાલેલા 
હાઈ-ડ્રામા બાદ દિલ્હી પોલીસે આકાશવાણી ભવનમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનોની અટકાયત કરી હતી અને રાહુલ ગાંધીને પોલીસ-વૅનમાં બેસાડી દેવાયા હતા. 

BJPને જ્ઞાનેશજી નહીં પણ ગણેશજી મદદ કરે છે: સંસદસભ્ય સંબિત પાત્રા
BJPની તરફેણમાં કથિત ચૂંટણી ગેરરીતિઓના આરોપસર ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે વિરોધ પક્ષોના ગઠબંધન દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ વચ્ચે BJPના સંસદસભ્ય સંબિત પાત્રાએ ગઈ કાલે કહ્યું હતું કે BJPને ‘જ્ઞાનેશજી’ નહીં પણ ‘ગણેશજી’ મદદ કરી રહ્યા છે. 
આ મુદ્દે સં‌બિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે ‘ભારતની જનતા એવી વ્યક્તિને મત નહીં આપે જે આતંકવાદીઓનું સમર્થન કરતી હોય અને હીરો કૅપ્ટન સ્મિત મચ્છર માટે એક ટ્‍વીટ પણ ન કરતી હોય.’
બીજી તરફ સંબિત પાત્રાએ એ દાવાને પણ ફગાવી દીધો હતો કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં BJPની જીતનો સંબંધ જ્ઞાનેશ કુમાર સાથે હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનેશ કુમાર ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. જે લોકો એવું કહી રહ્યા છે કે જ્ઞાનેશ કુમારને કારણે BJP લોકસભા ચૂંટણી જીતી, એ વાત તદ્દન ખોટી છે.

national news india election commission of india rahul gandhi priyanka gandhi congress