✕

અમિત શાહ વિશેની ટિપ્પણી બદલ થયેલા માનહાનિના કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર

27 October, 2026 10:30 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના સુલતાનપુરની વિશેષ કોર્ટે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.

રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશના સુલતાનપુરની વિશેષ કોર્ટે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. સોમવારે જ્યારે ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર હતા. વર્ષ ૨૦૧૮માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેના કારણે તેમની સામે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ ટિપ્પણીને બદનક્ષીકારક ન ગણીને રાહુલ ગાંધીને કાનૂની રાહત આપી હતી. આ સાથે ૮ વર્ષ જૂની કાનૂની લડાઈનો અંત આવી ચૂક્યો છે. 

મે ૨૦૧૮માં બૅન્ગલોર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ‘હત્યાના આરોપી’ કહ્યા હતા. આ મામલે નારાજગી વ્યક્ત કરતાં BJPના સ્થાનિક નેતા અને જિલ્લા સહકારી બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન વિજય મિશ્રાએ ૪ ઑગસ્ટે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મિશ્રાએ દલીલ કરી હતી કે આ ટિપ્પણીથી તેમને અને અન્ય કાર્યકરોને ઠેસ પહોંચી છે, કારણ કે જે મર્ડર-કેસનો ઉલ્લેખ થયો હતો એમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ૨૦૧૪માં અમિત શાહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે રાહુલ ગાંધીએ સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી. સુલતાનપુરની સ્પેશ્યલ એમપી-એમએલએ કોર્ટના ઍડિશનલ ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ શુભમ વર્માએ ફરિયાદને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું હતું કે આ શબ્દો માનહાનિની વ્યાખ્યામાં આવતા નથી. અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૪માં રાહુલ ગાંધી આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને તેમને જામીન મળી ગયા હતા. 

રાહુલ ગાંધીના કાફલાને અકસ્માત, પાંચ વાહનો ટકરાયાં : કાર્યકરો અને સુરક્ષા-કર્મચારી ઘાયલ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર સુલતાનપુર જઈ રહેલા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના કાફલાને ગઈ કાલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો જેમાં ઍમ્બ્યુલન્સ સહિત પાંચ વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. જોકે રાહુલ ગાંધી સુરક્ષિત છે. સુલતાનપુરના હલિયાપુર વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં રાહુલ ગાંધીના કાફલાની પાછળ આવતી ૪ કાર અને એક ઍમ્બ્યુલન્સ અથડાઈ હતી. કૉન્ગ્રેસના કેટલાક કાર્યકરો અને સુરક્ષા-કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. રાહુલ ગાંધી અમિત શાહ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં હાજર થવા માટે સુલતાનપુરની સંસદસભ્ય-વિધાનસભ્ય કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં પુરાવાના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

national news india rahul gandhi political news narendra modi