14 August, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અલાહાબાદ હાઈ કોર્ટના એ આદેશોને સુપ્રીમ કોર્ટ સમક્ષ સવાલો સાથે પડકાર્યા છે જેમાં તેમની સામે લગાવાયેલા આવક કરતાં વધુ સંપત્તિના આરોપોની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક કાર્યકરે આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધી પાસે તેમની જાહેર કરાયેલી આવકના સ્રોતો કરતાં વધુ સંપત્તિ છે. આ અરજી પર ૧૭ ઑગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે એવી શક્યતા છે.
રાહુલ ગાંધી સામે કોણે આરોપો લગાવ્યા?
એક અહેવાલ મુજબ કર્ણાટકના રહેવાસી અને BJPના કાર્યકર વિજ્ઞેશ શિશિરની ફરિયાદના આધારે હાઈ કોર્ટે CBI અને EDને તથ્યો તપાસવા જણાવ્યું હતું. ચાલુ વર્ષના મે મહિનામાં આપેલા આદેશમાં હાઈ કોર્ટે નોંધ્યું હતું કે જો અરજદારની ફરિયાદ મળી હોય તો એમાં દર્શાવાયેલા આરોપોની કાયદા અનુસાર તપાસ થવી જોઈએ. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તપાસના આધારે CBI અથવા ED કાયદા હેઠળ જરૂરી તમામ યોગ્ય પગલાં લઈ શકે છે.
કોર્ટે CBIના ઍફિડેવિટ સામે કેમ નારાજગી દર્શાવી?
તપાસના આદેશ બાદ હાઈ કોર્ટે બન્ને તપાસ-એજન્સીઓને સમગ્ર મામલાની પ્રગતિનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ ૨૦ જુલાઈએ પસાર કરેલા પોતાના આદેશમાં હાઈ કોર્ટે CBI દ્વારા દાખલ કરાયેલા ઍફિડેવિટ (સોગંદનામા) સામે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે અવલોકન કર્યું હતું કે CBIનું સોગંદનામું અગાઉના નિર્દેશો મુજબ યોગ્ય નહોતું અને એજન્સી દ્વારા તપાસમાં શું પ્રગતિ થઈ છે એ સ્પષ્ટ થતું નહોતું. આથી કોર્ટે CBIને નવેસરથી વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.