"PM દેશને પોતાનો ચહેરો નહીં બતાવી શકે": રાહુલ ગાંધીની BJP અને ECI પર ટીકા

01 September, 2025 07:36 PM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

ભાજપે રાહુલના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. ભૂતપૂર્વ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું, "રાહુલ ગાંધીના શબ્દો સમજવામાં સમય લાગે છે. ચૂંટણીમાં પરમાણુ બૉમ્બ અને હાઇડ્રોજન બૉમ્બનો અર્થ શું છે?"

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી (તસવીર: મિડ-ડે)

બિહારમાં એક મોટી રૅલીનું સંબોધન કરતા કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા `ઍટમ બૉમ્બ` પુરાવા હવે તેનાથી પણ મોટા `હાઇડ્રોજન બૉમ્બ`નો ખુલાસો કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી વિપક્ષના આરોપોનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને બિહાર ચૂંટણીમાં મોટા પાયે મતદાર યાદીમાંથી નામ કાઢી રહ્યા છે. વિપક્ષનો દાવો છે કે ચૂંટણી પંચની વિશેષ સુધારણા પ્રક્રિયા દ્વારા 65 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવાની તૈયારીઓ થઈ રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે.

`આ નારા ચીન સુધી ગુંજતો રહે છે`

પટણામાં મતદાર અધિકાર રૅલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "અમે ભાજપને બંધારણનો નાશ કરવા દઈશું નહીં. તેથી જ અમે આ યાત્રા કાઢી છે અને જનતાએ અમને જબરદસ્ત સમર્થન આપ્યું છે." તેમણે કહ્યું કે બિહારના લોકોએ મહાગઠબંધનને ટેકો આપ્યો હતો અને નારા લગાવ્યા હતા – ‘વોટ ચોર-ગદ્દી છોડ’. રાહુલે કટાક્ષ કર્યો કે આ નારા હવે ચીન સુધી ગુંજાઈ રહ્યા છે, જ્યાં વડા પ્રધાન મોદી SCO સમિટમાં ભાગ લેવા ગયા હતા.

પદયાત્રાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના લોકો સાવધાન રહો... હાઇડ્રોજન બૉમ્બ આવી રહ્યો છે. મત ચોરીનું સત્ય આખા દેશને ખબર પડશે. હું બિહારના લોકોનો, બિહારના યુવાનોનો, મહિલાઓનો આભાર માનવા માગુ છું. આ એક ક્રાંતિકારી રાજ્ય છે, આમાં અમે આખા દેશને સંદેશ આપ્યો છે કે અમે મત ચોરી થવા દઈશું નહીં અને બિહારમાં તમે અમને જે મદદ કરી છે તેનાથી આ સંદેશ આખા દેશમાં ફેલાયો છે. તેમણે વધુમાં કહ્યું કે “હું તમને ગેરંટી આપું છું કે આગામી સમયમાં, હાઇડ્રોજન બૉમ્બ પછી, પીએમ આ દેશને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં.”

કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ ભાજપ પર બંધારણની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે બિહારના લોકો મહાગઠબંધનની સાથે છે.

ભાજપનો વળતો પ્રહાર

ભાજપે રાહુલના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. ભૂતપૂર્વ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું, "રાહુલ ગાંધીના શબ્દો સમજવામાં સમય લાગે છે. ચૂંટણીમાં પરમાણુ બૉમ્બ અને હાઇડ્રોજન બૉમ્બનો અર્થ શું છે?" ભાજપના નેતાઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાહુલની પટના રૅલીમાં ભીડ બતાવવા માટે યુપીના દેવરિયાથી 20 હજાર લોકોને લાવવામાં આવ્યા હતા.

rahul gandhi narendra modi election commission of india bihar bihar elections national news