હું તો પાર્ટીનો સૈનિક છું, મને જે આદેશ મળશે એનું પાલન કરીશ

18 April, 2024 08:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશની લોકસભાની ૮૦ સીટોમાંની એક અમેઠીમાં ૨૦ મેએ મતદાન થવાનું છે ત્યારે કૉન્ગ્રેસે હજી એના ઉમેદવારની જાહેરાત કરી નથી

રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની

ઉત્તર પ્રદેશની લોકસભાની ૮૦ સીટોમાંની એક અમેઠીમાં ૨૦ મેએ મતદાન થવાનું છે ત્યારે કૉન્ગ્રેસે હજી એના ઉમેદવારની જાહેરાત કરી નથી. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ બુધવારે એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન આ અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને અમેઠીનાં સિટિંગ સંસદસભ્ય સ્મૃતિ ઈરાની સામે કોણ મેદાનમાં ઊતરશે એ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘અમારી પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી અંગેના નિર્ણયો કૉન્ગ્રેસ ઇલેક્શન કમિટી દ્વારા લેવામાં આવે છે. હું પાર્ટીનો સૈનિક છું અને સમિતિ જે નિર્ણય લેશે એનું પાલન કરીશ.’

એક સમયે ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠીની સીટ ૨૦૧૯ની ચૂંટણીમાં BJPએ જીતી હતી અને રાહુલ ગાંધીની ૧૫ વર્ષની સત્તાનો અંત આવ્યો હતો. દરમ્યાન, એવી અટકળો છે કે વાયનાડથી ઉમેદવારી નોંધાવનારા રાહુલ ગાંધી અમેઠીમાંથી પણ ચૂંટણી લડશે અને આ સીટ ફરી જીતવાનો પ્રયાસ કરશે. જોકે એની જાહેરાત ૨૬ એપ્રિલે વાયનાડમાં ચૂંટણી પતી ગયા બાદ થવાની શક્યતા હોવાનું કૉન્ગ્રેસની સાથે સંકળાયેલી વ્યક્તિઓનું કહેવું છે.

rahul gandhi congress amethi india national news