✕

રાજસ્થાનમાં ચૂંટણીમાં પત્નીને ‌જિતાડી ન શકનારા BJPના નેતાએ ફેસબુક પોસ્ટમાં વાઇફની માફી માગી

28 November, 2026 12:10 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

લેક્ચરરની નોકરી છોડાવીને BJPની ટિકિટ અપાવી, મળ્યા માત્ર ૮ મત, રાજસ્થાનમાં નકલી મેડિકલ સર્ટિફિકેટ રૅકેટનો પર્દાફાશ : માત્ર ૫.૫ લાખ રૂપિયામાં બનાવી રહ્યા હતા MBBS કે MD ડૉક્ટર.

પતિની માફી, નકલી ડિગ્રી રૅકેટ

રાજસ્થાનના અલવર જિલ્લામાં સારસ ડેરીના ભૂતપૂર્વ ચૅરમૅન બન્નારામ મીણાએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમની પત્ની સંજુ મીણાને ભારતીય જનતા પાર્ટી (BJP) વતી ચૂંટણીમાં મેદાનમાં ઉતારી હતી, પણ તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી લડવા માટે તેમણે લેક્ચરર પત્નીની નોકરી પણ છોડાવી દીધી હતી. તેમની ૧૩ વર્ષની સર્વિસ બાકી હતી, પણ સંજુ મીણાએ વોલન્ટરી રિટાયરમેન્ટ લીધી હતી. કૉન્ગ્રેસના ઉમેદવારને ૩૧ મત મળ્યા હતા, જ્યારે સંજુને ફક્ત ૮ મત મળવાથી પતિએ ફેસબુક પર પત્નીની માફી માગી હતી અને લખ્યું હતું કે ‘સંજુ, મારી પ્રિય ધર્મપત્ની, હું તને હાલમાં જિલ્લાપ્રમુખ નથી બનાવી શક્યો, મને માફ કરજે.’ આ પોસ્ટના મુદ્દે વિવાદ થતાં તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘પરાજય બાદ મારી પત્ની નિરાશ હતી તેથી મેં ભાવુક થઈને આ પોસ્ટ લખી હતી.’

રાજસ્થાનના જયપુરમાં સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપે (SOG) નકલી મેડિકલ ડિગ્રી રૅકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં ભણ્યા વિના માત્ર ૪.૫ લાખ રૂપિયામાં બૅચલર ઑફ મેડિસિન ઍન્ડ બૅચલર ઑફ સર્જરી (MBBS) અને ડૉક્ટર ઑફ મેડિસિન (MD) જેવી ડિગ્રીઓ આપીને સામાન્ય લોકોને ડોક્ટરો બનાવવામાં આવી રહ્યા હતા. આ કેસમાં ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે તેઓ લાખો રૂપિયામાં નકલી MBBS, MD, ગાયનેકોલૉજી જેવી ડિગ્રીઓ બનાવીને વેચતા હતા. તેઓ તેને યુનિવર્સિટીની વેબસાઇટ પર ઑનલાઇન અપલોડ કરી અને મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન પણ કરાવી આપતા હતા.

નકલી ડિગ્રીનો આ વ્યવસાય ફેસબુક અને વૉટ્સઍપ દ્વારા ચલાવવામાં આવતો હતો અને ૫.૫ લાખ રૂપિયામાં MBBS અને MD ડિગ્રીઓ બનાવવામાં આવી રહી હતી. તપાસમાં ૪૦થી વધુ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાંથી નકલી ડિગ્રીઓ બહાર આવી છે. આ રૅકેટ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ,પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હતું.

 

rajasthan jaipur political news indian politics panchayat facebook viral post news national news bharatiya janata party