26 November, 2026 10:47 AM IST | Udaipur | Gujarati Mid-day Correspondent
શંકરલાલ મેઘવાલનું હાર્ટ-અટૅકથી અવસાન
રાજસ્થાનના ઉદયપુર નજીક રિષભદેવમાં દીકરીનાં લગ્નના આગલા દિવસે પિતા શંકરલાલ મેઘવાલનું હાર્ટ-અટૅકથી અવસાન થયા બાદ ભાઈઓએ લગ્નસમારોહ સંપન્ન થાય ત્યાં સુધી આ સમાચાર કોઈને આપ્યા નહોતા અને લગ્નસમારોહ પૂર્ણ થયા બાદ અને બહેનની વિદાય થયા બાદ આ જાણકારી આપી હતી. આ સમાચાર જાણીને શંકરલાલનાં પત્ની ગીતા દેવીની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
આ મુદ્દે દિલીપ મેઘવાલે કહ્યું હતું કે ‘મારી બહેન પ્રિયંકાનાં લગ્ન ૨૦ નવેમ્બરે હતાં અને લગ્નની આગલી રાત્રે ડાન્સ કરતી વખતે મારા પિતા શંકરલાલ મેઘવાલને હાર્ટ-અટૅક આવ્યો હતો. અમે ૩૪ વાર ૧૦૪ અને ૧૦૮ને ૩૨ વાર ફોન કર્યા હતા, પણ ઍમ્બ્યુલન્સ આવી નહોતી. તેથી અમે પિતાને પ્રાઇવેટ કારમાં રિષભદેવ લઈ ગયા હતા પણ ડૉક્ટરોએ તેમને ઉદયપુર રિફર કર્યા હતા.
ઉદયપુરમાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. જોકે બહેનનાં લગ્નનો પ્રસંગ હોવાથી અમે ડેડ-બૉડીને હૉસ્પિટલમાં મૂકી હતી અને ઘરે આવીને કહ્યું હતું કે પપ્પાને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે અને બીજા દિવસે હાર્ટ-સર્જરી કરવાની છે. આમ કહીને લગ્નસમારોહ ઝડપથી પતાવી દીધો હતો અને બહેનને વિદાય આપી દીધી હતી. બહેન સાસરે પહોંચી ગઈ પછી અમે પપ્પાના મૃત્યુના સમાચાર જાહેર કર્યા હતા.’