AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની રાજ્યસભાની મંજૂરી BJPના હવે ૧૧૩ સંસદસભ્યો

28 April, 2026 09:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની રાજ્યસભાની મંજૂરી BJPના હવે ૧૧૩ સંસદસભ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આમ આદમી પાર્ટી (AAP)ના ૭ બળવાખોર સંસદસભ્યોને રાજ્યસભાના સચિવાલય તરફથી ભારતીય જનતા પાર્ટી (BJP)માં ભેળવી દેવાની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભાના સચિવાલયે ગઈ કાલે સવારે આ વિશે એક સૂચના જાહેર કરી હતી. BJP પાસે હાલમાં રાજ્યસભામાં ૧૦૬ બેઠકો છે, પરંતુ વિલીનીકરણની જાહેરાત અને રાજ્યસભાના અધ્યક્ષની મંજૂરી પછી આ સંખ્યા વધીને ૧૧૩ થશે. AAPની સંખ્યા ઘટીને ફક્ત ૩ થઈ જશે, જ્યારે કૉન્ગ્રેસના રાજ્યસભામાં ૨૯ સંસદસભ્યો છે.

શુક્રવારે રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. રાઘવ ચઢ્ઢાએ આને AAPના બે-તૃતીયાંશથી વધુ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવા તરીકે જણાવીને તેમણે રાજ્યસભાને પત્ર લખીને પણ વિલય માટે પરવાનગી માગી હતી. ગઈ કાલે આ સંદર્ભમાં રાજ્યસભાના સચિવાલયે વિલયને મંજૂરી આપતું જાહેરનામું બહાર 
પાડ્યું હતું.

રાઘવ ચઢ્ઢાએ શું કહ્યું?

રાઘવ ચઢ્ઢાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશથી વધુ સંસદસભ્યો BJPમાં ભળી ગયા છે. રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરાયેલા દસ્તાવેજ પર ૭ સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. મેં અન્ય બે સંસદસભ્યો સાથે વ્યક્તિગત રીતે સહી કરેલો દસ્તાવેજ સુપરત કર્યો હતો.’

Rajya Sabha aam aadmi party bharatiya janata party raghav chadha political news indian politics national news news