અયોધ્યાના રામ મંદિરમાં દર્શન અને આરતીના સમય બદલાયા

25 October, 2025 10:46 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

શિયાળાને લીધે શયન આરતી અડધો કલાક વહેલી અને મંગળા આરતી અડધો કલાક મોડી થશે, ભક્તો સવારે સાતથી રાતે ૮.૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકશે

ફાઇલ તસવીર

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલાનાં દર્શનના સમયમાં ફેરફાર થયો છે. રામભક્તોને હવે રાતે ૯ વાગ્યાને બદલે ૮.૩૦ વાગ્યા સુધી જ મંદિરમાં પ્રવેશ મળશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી ભક્તો માટે દર્શનની વ્યવસ્થા સુગમ રહે.

ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચના પ્રમાણે રામલલાનાં દર્શનનો સમય ૩૦ મિનિટ ઘટાડવામાં આવ્યો છે. શયન આરતીનો સમય પણ રાતે ૧૦ વાગ્યાને બદલે ૯.૩૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. દર્શન અને આરતીના સમયમાં આ ફેરફાર ગુરુવારથી લાગુ કરવામાં આવ્યો હતો.

આ સાથે સવારની મંગળા આરતીનો સમય પણ બદલવામાં આવ્યો છે, જે હવે સવારે ૪ વાગ્યાને બદલે ૪.૩૦ વાગ્યે શરૂ થશે. શ્રૃંગાર આરતીનો સમય સવારે છથી બદલીને ૬.૩૦ વાગ્યાનો કરવામાં આવ્યો છે. જોકે આ ફેરફારો છતાં ભક્તો માટે દર્શન શરૂ થવાનો સમય એ જ રહેશે. સવારે ૭ વાગ્યાથી ભક્તોને મંદિરમાં દર્શન માટે પ્રવેશ મળવાનો શરૂ થઈ જશે.

ayodhya ram mandir national news news