✕

"જો બૅલેટ પેપર પર ચૂંટણી થાય તો અમારી બેઠકો…": રામદાસ આઠવલેએ શું દાવો કર્યો

29 September, 2026 06:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

SIR અંગે રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ બંધારણ હેઠળ એક સ્વતંત્ર સંસ્થા છે અને સરકાર સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમણે ઉલ્લેખ કર્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે SIR લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.

રામદાસ આઠવલે

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મંગળવારે ગુવાહાટીમાં ચૂંટણી અને EVM વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ચૂંટણી પંચ બૅલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી યોજવાનો નિર્ણય લે, તો તેમની પાર્ટી તેના માટે તૈયાર છે. તેમણે સૂચન કર્યું કે રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બૅલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવા માટે મનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આઠવલેએ કહ્યું, "જો બૅલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી યોજવામાં આવે, તો અમે વધુ બેઠકો જીતીશું." તેમણે એ પણ નોંધ્યું હતું કે જ્યારે બૅલેટ પેપરનો ઉપયોગ થતો હતો ત્યારે પરિણામો જાહેર કરવામાં ઘણા કલાકો લાગતા હતા, જ્યારે EVMને કારણે સાંજ સુધીમાં પરિણામો સ્પષ્ટ થઈ જાય છે.

SIR પર આઠવલેની ટિપ્પણી

ચૂંટણી પંચ અને SIR અંગે રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ બંધારણ હેઠળ એક સ્વતંત્ર સંસ્થા છે અને સરકાર સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમણે ઉલ્લેખ કર્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે SIR લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આઠવલેએ કહ્યું, "દરેકને મતદાન કરવાનો અધિકાર છે, પરંતુ જો બાંગ્લાદેશ, પાકિસ્તાન કે શ્રીલંકાના લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને અહીં મતદાર તરીકે નોંધણી કરાવી હોય, તો તેમના નામ દૂર કરવા માટે SIR અસ્તિત્વમાં છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની SIR સાથે કોઈ સંડોવણી નથી; આ ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલો નિર્ણય છે. આઠવલેએ ધ્યાન દોર્યું કે મહારાષ્ટ્રમાં પણ SIR લાગુ કરવામાં આવ્યું છે. EVMના મુદ્દે કૉંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું, "જ્યારે રાહુલ ગાંધી લોકસભામાં સારી સંખ્યામાં બેઠકો જીત્યા ત્યારે EVM બરાબર હતા; પરંતુ જ્યારે અમને વધુ ફાયદો થાય છે ત્યારે EVM અચાનક `ખામીયુક્ત` બની જાય છે. કૉંગ્રેસ પાર્ટીએ જ EVM મશીનો દાખલ કર્યા હતા."

‘કૉકરોચ જનતા પાર્ટી’ પર ટિપ્પણ

રામદાસ આઠવલેએ ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP) વિશે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, "અમે તેમના કરતા વધુ સક્રિય છીએ. ‘કૉકરોચ જનતા પાર્ટી’ તો હમણાં જ આવી છે." અભિજીત દીપકેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્રનો છે, બુદ્ધની શિક્ષાઓને અનુસરે છે અને આંબેડકરવાદી છે. અઠાવલેએ ટિપ્પણી કરી કે `કૉકરોચ જનતા પાર્ટી` ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરવામાં સફળ રહી છે; તેમણે નોંધ્યું કે આ પક્ષ લગભગ કોઈપણ વ્યક્તિના રાજીનામાની માગણી કરતો રહે છે. તેમણે એ વાત તરફ પણ ધ્યાન દોર્યું કે હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની પણ માગણી કરવામાં આવી રહી છે. અઠાવલેએ અભિજીત દીપકેને પક્ષનું નામ બદલવાની સલાહ પણ આપી અને સૂચન કર્યું કે તેનું નામ બદલીને `ઇસ્તીફા જનતા પાર્ટી` રાખવું જોઈએ. તેમણે કહ્યું, "તમે (અભિજીત દીપકે) કોઈ વંદા (કૉકરોચ) નથી, કારણ કે વંદા વાસ્તવમાં કંઈ કરતા નથી. આપણા ચીફ જસ્ટિસ (CJI) એ ટિપ્પણી કરી હતી કે આજની યુવા પેઢી કંઈપણ હાંસલ કર્યા વિના વંદાની જેમ આમ-તેમ દોડાદોડી કરે છે. પરંતુ તમે તેનાથી વિપરીત સાબિત કર્યું છે. તમે `જેન-ઝી` (Gen-Z) ના ઘણા લોકોમાં જાગૃતિ લાવી, NEET પેપર લીક અંગે એક મોટી ચળવળનું નેતૃત્વ કર્યું અને દેશભરમાંથી સમર્થન મેળવ્યું."

ramdas athawale abhijit dipake cockroach janata party congress rahul gandhi indian government national news