25 January, 2026 07:30 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રિહર્સલ દરમ્યાન જોવા મળેલા મહારાષ્ટ્ર અને ગુજરાતના ટૅબ્લો.
ગણેશોત્સવ : આત્મનિર્ભરતેચે પ્રતીક થીમ પર મહારાષ્ટ્ર રજૂ કરશે સાંસ્કૃતિક વારસો પ્રજાસત્તાક દિવસના ટૅબ્લોમાં
ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હીમાં યોજાતી પરેડ માટે મહારાષ્ટ્રનો ટૅબ્લો તૈયાર છે. આ વર્ષે રાજ્યના ટૅબ્લોની થીમ છે ‘ગણેશોત્સવ : આત્મનિર્ભરતેચે પ્રતીક’. ટૅબ્લોમાં લોકમાન્ય ટિળક દ્વારા જાહેર ગણેશોત્સવ થકી શરૂ કરાયેલી ચળવળને પરંપરા સાથે જોડીને રજૂ કરવામાં આવી છે. સાથે જ આધુનિક ભારત આજે આત્મનિર્ભર કેવી રીતે બની રહ્યું છે એ પણ દર્શાવાયું છે. મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૫થી ગણેશોત્સવને રાજ્ય-ઉત્સવ તરીકે ઊજવવાનું શરૂ કર્યું છે. ગણપતિબાપ્પાની શાડૂ માટીમાંથી બનાવાયેલી મૂર્તિને માથે મૂકીને ઘરે લાવવાની અને વિસર્જન કરવાની કોકણી પરંપરા પરથી ટૅબ્લો માટે પ્રેરણા લેવામાં આવી છે. ગણેશોત્સવ દ્વારા કરોડો રૂપિયાનું આર્થિક ટર્નઓવર, શિલ્પકારો અને સજાવટકારોને આપવામાં આવતી રોજગારી અને એમાં વણાયેલી આર્થિક સાંકળ આ ટૅબ્લોના કેન્દ્રમાં છે. ટૅબ્લોના આગળના ભાગમાં મહારાષ્ટ્રના પરંપરાગત પોશાકમાં એક મહિલા ભવ્ય ઢોલ વગાડે છે જે રાજ્યની સ્ત્રીશક્તિનું પ્રદર્શન કરે છે. મધ્યમાં એક શિલ્પકારને ગણેશની સુંદર મૂર્તિ બનાવતા અને વિસર્જન માટે જતા ગણેશભક્તને બતાવવામાં આવ્યા છે. રથના પાછલા ભાગમાં મહારાષ્ટ્રનાં અષ્ટવિનાયક મંદિરોની ભવ્ય પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને અન્ય સાંસ્કૃતિક પાસાંઓ પણ સૂક્ષ્મતા સાથે રજૂ કરવામાં આવ્યાં છે. ટૅબ્લોની બન્ને બાજુ પરંપરાગત નવવારી સાડી પહેરેલી મહિલાઓની લેજીમ-ટીમ છે.
૭૭મા પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. એમાં વંદે માતરમ્ શબ્દની પૃષ્ઠભૂમિથી શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, એની બદલાતી તાસીર અને તવારીખની રોચક પ્રસ્તુતિ ગુજરાતના ટૅબ્લોમાં થશે જે મુખ્ય આકર્ષણ બની રહેવાની સંભાવના છે.
સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્ વિષયને અનુલક્ષીને પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં ગુજરાત ટૅબ્લો રજૂ કરશે. આ ટૅબ્લો ગુજરાતના માહિતી વિભાગે તૈયાર કર્યો છે. એમાં ગુજરાતના ક્રાંતિવીરસાથીઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાન્તિજ્યોત જગાડનાર મૅડમ ભિકાજી કામાએ તૈયાર કરેલા વંદે માતરમ્ લખેલા ધ્વજની ગાથાનું વર્ણન, ચરખાના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનાર મહાત્મા ગાંધીજીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન આત્મનિર્ભર ભારત અભિયાનનો સુભગ સમન્વય ટૅબ્લોમાં થયો છે. ટૅબ્લોના આગળના ભાગમાં વીરાંગના મૅડમ ભિકાજી કામાને સ્વરચિત વંદે માતરમ્ લખેલા ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યાં છે જે તેમણે સૌપ્રથમ વિદેશી ભૂમિ પર ૧૯૦૭માં પૅરિસમાં લહેરાવ્યો હતો. ટૅબ્લોમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, એની બદલાતી તાસીર અને તવારીખ વર્ણવવામાં આવી છે. સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલા કસુંબીનો રંગ ગીતના તાલે કલાકારો ટૅબ્લોને જોમવંતો બનાવશે.
તિરંગા પ્યારા
આવતી કાલે પ્રજાસત્તાક દિવસ છે એ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બાંદરા-ઈસ્ટમાં આવેલી કલેક્ટરની ઑફિસે ગઈ કાલ રાતથી જ તિરંગો અવતાર ધારણ કર્યો હતો.
તસવીરો: અતુલ કાંબળે અને સતેજ શિંદે