08 November, 2025 07:53 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
આ કાર્ડ પર મોટા ભાગનાં સરનામાં નજીકના હમીદપુર અને પિલા વિસ્તારોમાં રહેતા લોકો સાથે મેળ ખાતાં હતાં
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીઓની ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા વચ્ચે બર્ધમાન જિલ્લામાં એક તળાવમાંથી સેંકડો આધાર કાર્ડ ત્યજી દેવાયેલી અવસ્થામાં મળી આવ્યા બાદ રાજકીય વિવાદ ફાટી નીકળ્યો હતો. બુધવારે લલિતપુરમાં તળાવની નિયમિત સફાઈ વખતે રહેવાસીઓને એક કોથળો મળ્યો હતો. એને ખોલતાં એમાંથી સેંકડો આધાર કાર્ડ મળી આવ્યાં હતાં. આ કાર્ડ પર મોટા ભાગનાં સરનામાં નજીકના હમીદપુર અને પિલા વિસ્તારોમાં રહેતા લોકો સાથે મેળ ખાતાં હતાં.
ઘણા રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આટલી મોટી સંખ્યામાં આધાર કાર્ડ મળવાથી SIR પ્રક્રિયા નબળી પડી શકે છે. સ્થાનિક અધિકારીઓએ કાર્ડ આકસ્મિક રીતે કાઢી નાખવામાં આવ્યાં હોવાની શક્યતાને નકારી કાઢી છે. એને બદલે સૂચવ્યું છે કે આ ઘટના જાણી જોઈને કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે બધાં આધાર કાર્ડ જપ્ત કર્યાં છે અને એમના મૂળની તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
આ ઘટનાથી શાસક તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) અને BJP વચ્ચે રાજકીય તનાવ વધ્યો છે, જેમાં BJPએ એને SIR પ્રક્રિયા સાથે જોડી દીધી છે. સ્થાનિક BJP નેતા દેબબ્રત મંડલે કહ્યું હતું કે ‘SIR પ્રક્રિયા શરૂ થયા પછી તરત જ આધાર કાર્ડની આ રિકવરી ચોક્કસપણે એક ઊંડા રહસ્ય તરફ ઇશારો કરે છે. પક્ષના નેતૃત્વને આની જાણ કરવામાં આવશે.’
બીજી તરફ તૃણમૂલ કૉન્ગ્રેસના વિધાનસભ્ય તપન ચૅટરજીએ સ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ‘અમને ખબર નથી કે આ આધાર કાર્ડ કોણે અહીં ફેંકી દીધાં હતાં. આ અગાઉ બનાવેલાં ડુપ્લિકેટ કાર્ડ હોઈ શકે છે.’