આસામનાં આયર્ન લેડી CRPFની જંગલ વૉરફેર ફોર્સનાં પ્રથમ મહિલા કમાન્ડર બન્યાં

16 September, 2026 01:57 PM IST  |  Dispur | Gujarati Mid-day Correspondent

આસામનાં આયર્ન લેડી CRPFની જંગલ વૉરફેર ફોર્સનાં પ્રથમ મહિલા કમાન્ડર બન્યાં, ઇન્ડિયન પોલીસ સર્વિસનાં શૂરવીર ઑફિસર સંયુક્તા પરાશર કોબ્રા યુનિટનું નેતૃત્વ કરશે

સંયુક્તા પરાશર

આસામનાં આયર્ન લેડી તરીકે જાણીતાં ૨૦૦૬ના બૅચનાં ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર સંયુક્તા પરાશર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એલીટ યુનિટ કમાન્ડો બટૅલ્યન ફૉર રિઝોલ્યુટ ઍક્શન (CoBRA)નાં ઇન્સ્પેક્ટર જનરલ બન્યાં છે. તેઓ આ સ્પેશ્યલાઇઝ્ડ જંગલ વૉરફેર ફોર્સનું નેતૃત્વ કરનારાં દેશનાં પ્રથમ મહિલા કમાન્ડર છે.
કોબ્રા યુનિટ ખાસ કરીને ગાઢ જંગલોમાં ગેરીલા યુદ્ધ અને લાંબા અંતરનાં ઑપરેશન્સ માટે પ્રશિક્ષિત છે. સંયુક્તા પરાશરે તેમની કારકિર્દીની શરૂઆતમાં આસામનાં ગાઢ જંગલોમાં સશસ્ત્ર આતંકવાદીઓ સામે અનેક સફળ ઑપરેશન્સ પાર પાડ્યાં હતાં. એને કારણે તેમને આયર્ન લેડીનું બિરુદ મળ્યું હતું. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી ઇન્ટરનૅશનલ રિલેશન્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારાં સંયુક્તા પરાશરે ૨૦૦૬ની સિવિલ સર્વિસિસ પરીક્ષામાં ૮૫મો રૅન્ક મેળવ્યો હતો.
સંયુક્તા પરાશરનો ગ્રાઉન્ડ લેવલનો ઑપરેશનલ અનુભવ અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)માં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) તરીકે કામ કરવાનો બહોળો અનુભવ હવે કોબ્રા યુનિટ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના કેસોની તપાસનો તેમનો આ અનુભવ તેમને જંગલ વૉરફેરના આધુનિક પડકારો સામે લડવામાં મદદરૂપ થશે.

assam guwahati central reserve police force crpf national investigation agency news national news