30 June, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સાકિબ અબ્દુલ હમીદ નાચન
ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)નો ભારતના ચીફ, સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI)ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી અને અનેક આતંકવાદી કેસોમાં દોષી સાબિત થયેલા સાકિબ અબ્દુલ હમીદ નાચનનું ગઈ કાલે બપોરે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સોમવારે સાકિબ નાચનને બ્રેઇન-સ્ટ્રોક આવ્યા બાદ તેને તિહાર જેલના અધિકારીઓએ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તેનો પાંચ દિવસ સુધી ઇલાજ ચાલ્યો હતો. દરમ્યાન ગઈ કાલે બપોરે તેનું મૃત્યુ થયું હોવાની જાણકારી તપાસ અધિકારીએ આપી હતી. ભિવંડી તાલુકામાં આવેલું પડઘા સાકિબ નાચનનું મૂળ ગામ છે. ગઈ કાલે સાકિબના મૃત્યુ બાદ પડઘા અને એને અડીને આવેલા બોરીવલી ગામમાં ૨૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે અને ગામમાં પ્રવેશતા દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.
સાકિબ નાચનની નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ડિસેમ્બર ૨૦૨૩માં થાણે જિલ્લાના પડઘાથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ISIS સહિત નિયુક્ત વિદેશી આતંકવાદી સંગઠનોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. તેણે અગાઉ અનેક આતંકવાદી કેસોમાં દોષી ઠેરવ્યા બાદ જેલની સજા ભોગવી હતી. તેની ધરપકડ બાદ સાકિબ નાચનને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો જ્યાં તે કસ્ટડીમાં રહ્યો હતો. બાવીસમી જૂને તેને મગજમાં રક્તસ્રાવ થવાથી સારવાર માટે દીનદયાલ ઉપાધ્યાય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેની હાલત વધુ ખરાબ થઈ હોવાનું કહેવાય છે. ત્યાર બાદ તેને વધુ ઇલાજ માટે મલ્ટિ-સ્પેશ્યલિટી સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સોમવારે નાચનના પુત્ર સાથે દિલ્હી પહોંચેલા તેના વકીલ સમશેર અન્સારીએ પત્રકારો સાથે વાત કરતાં પુષ્ટિ આપી હતી કે તેના અસીલને બ્રેઇન-હૅમરેજ થયું હતું અને તેની હાલત ગંભીર હતી. બુધવારે સવારે તેની તબિયત બગડ્યા બાદ તેને સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વકીલ સમશેર અન્સારીએ પુષ્ટિ આપી હતી કે સાકિબ નાચનને ભૂતકાળમાં બે વખત બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો. નાચનનો પરિવાર તેના અવશેષોને દફનવિધિ માટે પડઘા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.