06 October, 2026 11:47 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનની એક કંપનીએ વિરાટ કોહલીને પહેલી વાર આશ્રમમાં આમંત્રિત કરવા માટે પબ્લિક રિલેશન અને પ્રચાર પર પાંચ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા
વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના શંકાસ્પદ મૃત્યુ બાદ શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમ વિશે વિવિધ સમાચાર આવી રહ્યા છે ત્યારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ ફલાહારી મહારાજ (દિનેશ શર્મા)એ સંત પ્રેમાનંદ બાબાને ગોવર્ધન ગિરિરાજમાં રહેવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે. તેમણે લખેલા એક પત્રમાં સનસનાટીભર્યા દાવા કરવામાં આવ્યા છે. આ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનની એક કંપનીએ વિરાટ કોહલીને પહેલી વાર આશ્રમમાં આમંત્રિત કરવા માટે પબ્લિક રિલેશન અને પ્રચાર પર પાંચ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સંતનો આરોપ છે કે ‘બિલ્ડરલૉબી અને જમીન માફિયા સિન્ડિકેટ પ્રેમાનંદ મહારાજના આશ્રમના નામનો ઉપયોગ પબ્લિક રિલેશન અને ખંડણી માટે કરી રહ્યાં છે. વિરાટ કોહલીને આશ્રમમાં લાવનારી રાજસ્થાનની એક કંપનીના માણસો સંત તરીકે આશ્રમમાં પ્રવેશી ગયા છે અને હવે પ્રૉપર્ટીના વ્યવહારોમાં સામેલ થયા છે. મોટી રકમ પડાવવા અને તેમના પ્રૉપર્ટીનાં હિતોને આગળ વધારવાનું કાવતરું તેઓ ઘડી રહ્યા છે.’
ફલાહારી મહારાજે સંત પ્રેમાનંદ મહારાજને વિશ્વભરના સનાતનીઓ માટે આદરણીય સંત ગણાવ્યા છે અને તેમના માટે સુરક્ષા વધારવાની માગણી કરી છે. શિષ્યોમાં જૂથવાદ અને પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે પ્રેમાનંદ મહારાજને ઝેડ-પ્લસ સુરક્ષા પૂરી પાડવાની અપીલ કરી છે.