11 May, 2025 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શશી થરૂર
શશી થરૂર ભારત-પાકિસ્તાન તણાવ પર સાઉદી અરબની ન્યૂઝ ચેનલ અલ અરબિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે ઓપરેશન સિંદૂર નામ કેમ મહત્વનું છે. ભારતના વળતા હુમલાનું નામ, ઓપરેશન સિંદૂર, કેમ મહત્વનું છે તે સમજાવતી વખતે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સાઉદી અરબની ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે સિંદૂરનો રંગ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોએ વહેવડાવેલા નિર્દોષોના લોહીના રંગથી બહુ અલગ નથી.
શશી થરૂરને સાઉદી અરબની ન્યૂઝ ચેનલ અલ અરબિયા સાથે ભારત-પાકિસ્તાન તણાવ પર વાત કરી રહ્યા હતા જ્યારે તેમને ઓપરેશન સિંદૂર નામ પાછળનો તર્ક પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પરિણીત મહિલાઓ પોતાના વાળના સેંથામાં સિંદૂર ભરે છે." પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રના મનમાં જે છબી છવાઈ ગઈ હતી તે એક નવપરિણીત સ્ત્રીની જે હવે વિધવા બની ચૂકી છે. તે એક નવપરિણીતા હતી જે હનીમૂન પર તેના પતિના મૃત શરીર પાસે નિરાશ થઈને ઘૂંટણિયે પડી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, આતંકવાદી હુમલાએ તેના માથાનું સિંદૂર લૂછી નાખ્યું હતું. સિંદૂર એ પરણિત સ્ત્રીઓના સૌભાગ્યની નિશાની છે.,"
શશી થરૂરે ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલની હૃદયદ્રાવક છબીનો ઉલ્લેખ કરતાં આ વાત કરી હતી. લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમના લગ્નના થોડા દિવસો પછી આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં ચોવીસ અન્ય પ્રવાસીઓ અને એક કાશ્મીરી પુરુષનું મોત થયું હતું.
"આ (ઓપરેશન સિંદૂર) એક ખૂબ જ ભાવનાત્મક શબ્દ છે જે લોકોને યાદ અપાવે છે કે પહલગામમાં શું થયું હતું અને આ કાર્યવાહી શા માટે જરૂરી હતી, નિર્દોષ નાગરિકો, જેમાં આ યુવતી અને કેટલીક અન્ય મહિલાઓનો સમાવેશ થાય છે તે પણ આ જ હુમલામાં વિધવા થઈ હતી, તેમણે આ દુર્ઘટનાનો અનુભવ કર્યો હતો," શશી થરૂરે કહ્યું. "હું ખાસ એ ઉમેરીશ કે આ નામ બેશક એક ઉત્તેજક વિચાર છે કે સિંદૂરનો રંગ પણ લોહીના રંગથી અલગ નથી અને એ લોહી આતંકવાદીઓએ આપણા દેશમાં વહેવડાવ્યું હતું. મને લાગ્યું કે ઓપરેશનને આ રીતે નામ આપવું એ ખૂબ જ ભાવનાત્મક અને શક્તિશાળી પસંદગી હતી,"
અગાઉ પણ શશી થરૂરે કહ્યું હતું કે ઓપરેશનનું નામ "તેજસ્વી" છે. "જેણે પણ આ નામ વિચાર્યું છે તે શાબાશીને લાયક છે."