15 November, 2025 10:44 AM IST | Cuttack | Gujarati Mid-day Correspondent
શ્રેયા ઘોષાલ
ઓડિશાના કટકમાં બાલી જાત્રા ગ્રાઉન્ડમાં યોજાયેલી પ્રખ્યાત બૉલીવુડ સિંગર શ્રેયા ઘોષાલની કૉન્સર્ટમાં ગુરુવારે નાસભાગ મચી હતી જેને કારણે એક મહિલા સહિત બે જણ બેહોશ થઈ ગયા અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ઘટનાના પગલે ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાલી યાત્રા એ ઓડિશાના દરિયાઈ ઇતિહાસને યાદ કરતો ઉત્સવ છે અને ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે.
આ મુદ્દે કટક જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું કે ‘શ્રેયા ઘોષાલની લાઇવ કૉન્સર્ટ માટે મોટી ભીડ એકઠી થઈ હતી. લોકો સ્ટેજ તરફ જમા થયા હતા, જેને કારણે કૉન્સર્ટને થોડા સમય માટે બંધ કરવી પડી હતી. ભીડને કારણે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસ સમયસર પહોંચી ગઈ હતી. પોલીસના આગમનથી ભીડ કાબૂમાં આવી ગઈ હતી અને કૉન્સર્ટ જે થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી એ ફરી શરૂ થઈ હતી.’