04 July, 2026 03:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સોનમ વાંગચુક
કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે દિલ્હીમાં જંતરમંતર ખાતે હડતાળ પર ઊતરેલા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનકારીઓ સામે કેટલાક લોકો દિવસ દરમ્યાન ભરપેટ જમતા હોવાથી હડતાળને ટેકો આપવા માટે બેસેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. સોનમ વાંગચુકે આંદોલનના સમર્થનમાં સતત છઠ્ઠા દિવસે પણ ભૂખહડતાળ ચાલુ રાખી હતી. ઉપવાસને કારણે તેમનું બ્લડ-પ્રેશર અને શુગરનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે.
આંદોલનને ગંભીર બનવાની અપીલ સાથે પ્રદર્શનકારીઓને સંબોધતાં સોનમ વાંગચુકે હાજર ભીડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘પ્રદર્શન કરતાં વધુ લોકો અહીં પિકનિક માટે આવી રહ્યા છે. લોકોને આટલું ખાતા જોઈને દુઃખ થાય છે. જે લોકો વધુપડતું ખાય છે તેઓ મેદસ્વી થશે, બીમાર પડશે અને ટૂંક સમયમાં મૃત્યુ પામશે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછો એક દિવસ ઉપવાસ કરીને આ આંદોલનને ટેકો આપવો જોઈએ. અહીં બપોરના સમયે ભોજન આપવામાં આવે નહીં પણ સાંજના સમયે ભોજન આપવું જોઈએ.’