૨૦ જુલાઈ સુધી હું ગમે તેમ જીવતો રહીશ, જો એ દિવસની સંસદ માર્ચ સફળ નહીં થઈ તો ભૂત બનીને પાછો આવીશ

18 July, 2026 11:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઘરના સોફા પર બેસીને સમર્થન કરવાને બદલે રસ્તા પર ઊતરીને આંદોલનને મજબૂત કરવાની લોકોને હાકલ કરી સોનમ વાંગચુકે

ગઈ કાલે દિલ્હીના જંતરમંતર પર ભૂખહડતાળના વીસમા દિવસે સોનમ વાંગચુક સાથે તેમનાં પત્ની ગીતાંજલિ જે. ઍન્ગ્મો.

દેશમાં પેપર-લીક મામલે શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી સાથે અનિશ્ચિત મુદતની ભૂખહડતાળ પર બેઠેલા ક્લાઇમેટ અૅક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે આગામી ૨૦ જુલાઈએ યોજાનારી સંસદ માર્ચ માટે લોકોને એકઠા થવા અપીલ કરી છે. શારીરિક રીતે અત્યંત નબળા દેખાતા સોનમ વાંગચુકે સમર્થકોને સંબોધતાં કહ્યું હતું કે ‘હું ૨૦ જુલાઈ સુધી ગમે તે રીતે જીવતો રહીશ જેથી તમારી સાથે સંસદ સુધી માર્ચ કરી શકું. જો ૨૦ જુલાઈએ આપણી આ માર્ચ સફળ નહીં થાય તો હું ભૂત બનીને પાછો આવીશ.’

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા શૅર કરાયેલા વિડિયોમાં  સોનમ વાંગચુકે લોકોને સોફા પર બેસીને મેસેજ મોકલવા અને સમર્થન કરવાને બદલે રસ્તા પર આવી આંદોલનને મજબૂત કરવા વિનંતી કરી છે. આ પ્રદર્શનમાં ક્રાન્તિકારી યુવા સંગઠન (KYS), ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA) અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI) જેવાં વિદ્યાર્થી સંગઠનો પણ જોડાયા છે.

સતત કથળતું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય

ડૉ. સતીશ લાંબાએ જણાવ્યું કે ૨૮ જૂનથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકે ૯ કિલોથી વધુ વજન ગુમાવ્યું છે. શરીરમાં ગ્લુકોઝ અને ફૅટ ખતમ થવાને કારણે હવે સ્નાયુઓ ઓગળી રહ્યા છે, જે ભયજનક છે અને એનાથી શરીરનાં અંગો નિષ્ફળ જઈ શકે છે. અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેહમાં થયેલી હિંસા બાદ ભડકાઉ ભાષણો દ્વારા હિંસા ઉશ્કેરવાના આક્ષેપ હેઠળ નેશનલ સિક્યૉરિટી એક્ટ (NSA) હેઠળ તેઓ ૬ મહિના જેલમાં રહી ચૂક્યા છે, છતાં પરીક્ષાપ્રણાલીમાં સુધારા માટે તેમનો જુસ્સો મક્કમ છે.

વાંગચુક ચીનનો એજન્ટ છે, અમે તેનો સફાયો કરીશું:  ઉત્તર પ્રદેશ BJPના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ યાદવ

કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના મંચ પર આમરણ અનશન કરી રહેલા સોનમ વાંગચુક વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉત્તર પ્રદેશ એકમના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ યાદવે કહ્યું હતું કે ‘આ સોનમ વાંગચુક કોણ છે? સોનમ વાંગચુક ચીનનો એજન્ટ છે અને તેને ચીન પાસેથી ભંડોળ મળે છે. તે કોઈ શિક્ષણવિદ નથી, તે ચીની એજન્ટ છે. તે દિલ્હી આવે છે અને વિરોધ કરે છે, રાષ્ટ્રનું અપમાન કરે છે. અમે તેનો સંપૂર્ણપણે સફાયો કરી દઈશું. BJPના શાસનમાં આવું નહીં ચાલે.’

સોનમ વાંગચુકને બૉમ્બે હાઈ કોર્ટના વકીલોનો સપોર્ટ

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દિલ્હીના જંતરમંતર પર શિક્ષણશાસ્ત્રી તથા સમાજસેવક સોનમ વાંગચુક કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની સાથે ભૂખહડતાળ કરી રહ્યા છે ત્યારે બૉમ્બે હાઈ કોર્ટના વકીલોએ ગઈ કાલે હુતાત્મા ચોક ખાતે તેમના સમર્થનમાં લખેલાં પ્લૅકાર્ડ્‍સ લઈને ટેકો જાહેર કર્યો હતો.

Sonam Wangchuk neet exam Education india national news news