સોનુ સૂદ બાળકોના `માર્ગદર્શન કાર્યક્રમ` ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

27 August, 2021 06:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા સોનુ સૂદે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ બાદ સીએમ કેજરીવાલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

સોનુ સૂદ

કોરોના કાળમાં લોકો માટે મદદનો હાથ લંબાવનાર અભિનેતા સોનુ સૂદ લોકોના મસીહા બની ગયા છે. આની વચ્ચે સોનુ સૂદની રાજનીતિમાં જોડવાવા અંગે પણ કેટલીક ખબરો સામે આવી હતી. તેવામાં અભિનેતા સોનુ સૂદે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.  બંનેની મલાકાત બાદ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોનુ સૂદને લઈ એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.  

દિલ્હીમાં આજે સોનુ સૂદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યા હતાં. આ પછી સીએમ કેજરીવાલ અને સોનુ સૂદે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સીએમ કેજરીવાલે સોનુ સૂદને દિલ્હીમાં બાળકોના  માર્ગદર્શક કાર્યક્રમ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી. CM કેજરીવાલે કહ્યું હતું કે, સોનુ સૂદ બાળકોના સારા ભવિષ્ય માટે બાળકોને માર્ગદર્શન આપશે. તેઓ કેટલાક બાળકોના માર્ગદર્શક બનશે.

બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ અભિનેતા સોનુ સૂદે કહ્યું હતું કે, `આજે દિલ્હી સરકારે દેશના માર્ગદર્શક માટે પ્લેટફોર્મ બનાવ્યું નથી, પરંતુ તેમણે દેશ માટે તમે કંઈક કરી શકો તે માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે. જો તમે એક પણ બાળકને દિશા આપી શકો તો દેશ માટે આનાથી મોટું યોગદાન કંઈ જ ના હોય.`

અહીં નોંધવું રહ્યું કે અભિનેતા સોનુ સૂદ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને રોકવા માટે ગયા વર્ષે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદ, અભિનેતા સોનુ સૂદ લોકોની મદદ માટે મસીહા બની આગળ આવ્યાં હતા. સોનુ સૂદે પીડિતો માટે લોકડાઉનમાં તેમને ઘરે પહોંચવા, તેમને ભોજન, ટ્રેનો અને બસોમાં ટિકિટ આપવાની વ્યવસ્થા કરી આપી હતી. આજે પણ લોકો સોનુ સૂદ પાસેથી સોશિયલ મીડિયા દ્વારા વિવિધ પ્રકારની મદદ માંગતા રહે છે અને તેઓ પોતાની ક્ષમતા પ્રમાણે હજી પણ લોકોને મદદ કરતાં રહે છે. 

national news delhi arvind kejriwal sonu sood