17 May, 2025 08:15 AM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
વૃંદાવન
સુપ્રીમ કોર્ટે વૃંદાવનમાં કૉરિડોર બનાવવા માટે જમીન સંપાદન કરવા બાંકે બિહારી મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ આદેશ પછી ઉત્તર પ્રદેશ સરકાર કૉરિડોર માટે જમીન સંપાદન કરવા મંદિરના ભંડોળમાંથી ૫૦૦ કરોડ રૂપિયાનો ઉપયોગ કરી શકશે. જોકે સુપ્રીમ કોર્ટે એક શરત પણ મૂકી છે કે સંપાદિત જમીન ફક્ત દેવતા અથવા મંદિર ટ્રસ્ટના નામે જ નોંધાયેલી હોવી જોઈએ. વૃંદાવનના ઋષિ-મુનિઓએ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું છે.
કૉરિડોર માટે મંદિરની આસપાસની પાંચ એકર જમીન ખરીદવામાં આવશે. જમીનની ખરીદી માટે બાંકે બિહારી મંદિર ટ્રસ્ટની ફિક્સ્ડ ડિપોઝિટનો ઉપયોગ કરવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે.
૨૦૨૩ની ૨૦ નવેમ્બરે અલાહાબાદ હાઈ કોર્ટે વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર કૉરિડોર બાંધકામ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારની અરજીને ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે કૉરિડોર તો બનાવવો જોઈએ, પરંતુ મંદિરના ભંડોળનો ઉપયોગ એના માટે ન થવો જોઈએ; સરકારે પોતે આ ખર્ચ ઉઠાવવો જોઈએ. એ સમયે ઉત્તર પ્રદેશ સરકારે જવાબમાં કહ્યું હતું કે ‘જો સરકાર પોતાના ખર્ચે જમીન ખરીદે તો એના પર સરકારનો માલિકીહક રહેશે. એવી જ રીતે જો સરકાર કૉરિડોરના નિર્માણ પર પૈસા ખર્ચ કરે તો એના પર પણ સરકારનો અધિકાર રહેશે. કૉરિડોરને મંદિર અને મંદિર વ્યવસ્થાપન સમિતિ સાથે જોડવા માટે મંદિરના ભંડોળમાંથી જ કૉરિડોરનું નિર્માણ કરવું જરૂરી છે.’
એકસાથે ૧૦,૦૦૦ જેટલા ભક્તો દર્શન કરી શકશે
કૉરિડોરના નિર્માણ પછી ૧૦,૦૦૦ ભક્તો એકસાથે દર્શન કરી શકશે. એના બાંધકામ માટે ૨૭૬થી વધુ દુકાનો અને મકાનો સંપાદિત કરવામાં આવશે. એમાં ૧૪૯ રેસિડેન્શિયલ, ૬૬ કમર્શિયલ અને ૫૭ મિક્સ ટાઇપનાં બિલ્ડિંગો છે. એને કાશીમાં બનેલા કૉરિડોરના આધારે વિકસાવવામાં આવશે. કૉરિડોરની સાથે શ્રી બાંકે બિહારી મંદિરના પરિક્રમા માર્ગને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવશે.
બિહારના ગયા શહેરનું નામ બદલાઈને થયું ગયાજી
ગઈ કાલે બિહારમાં થયેલી પ્રધાનમંડળની બેઠકમાં બૌદ્ધ ધર્મ માટે પૌરાણિક મહત્ત્વ ધરાવતા ગયા શહેરનું નામ બદલીને ‘ગયાજી’ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શહેરના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગયા શહેરનું સન્માનજનક નામકરણ ‘ગયાજી’ કરવામાં આવ્યું છે. પ્રધાનમંડળની બેઠક પછી કૅબિનેટના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. એસ. સિદ્ધાર્થે કહ્યું હતું કે બોધગયામાં સતત પર્યટકોની સંખ્યા વધી રહી છે ત્યારે ગયાજી નામકરણ સાથે અહીં એક બૌદ્ધ ધ્યાન અને અનુભવ કેન્દ્રનું નિર્માણ પણ કરાવવામાં આવશે.
સરકારને લાગે છે કે એનાથી ધાર્મિક પર્યટન વધશે અને રાજ્યકોષ પર એની અસર પડશે તેમ જ રોજગારીની તકો પણ વધશે. આ માટે ૧૬૫.૪૪ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.