ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન નહીં જ

06 January, 2026 04:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૨૦ના નૉર્થ-ઈસ્ટ દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે પાંચ આરોપીઓને શરતી જામીન આપ્યા હતા, પણ બે મુખ્ય આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ

૨૦૨૦ના નૉર્થ-ઈસ્ટ દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે પાંચ આરોપીઓને શરતી જામીન આપ્યા હતા, પણ બે મુખ્ય આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ બન્ને ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓએ અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળના કેસમાં જામીન આપવાનો ઇનકાર કરવાના દિલ્હી હાઈ કોર્ટના આદેશને પડકાર્યો હતો.

ખાલિદ અને ઇમામની જામીનઅરજીઓ ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘અમે સંતુષ્ટ છીએ કે ફરિયાદ પક્ષે ગુનાહિત કાવતરામાં તેમની સંડોવણી સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કર્યા છે. બધા આરોપીઓને સમાન સમજદારીથી જોઈ શકાય નહીં. અન્ય આરોપીઓનો દોષ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ કરતાં અલગ છે. તેથી કોર્ટે દરેક જામીનઅરજીની વ્યક્તિગત રીતે તપાસ કરવી જોઈએ. બધી જામીનઅરજીઓ પર એકરૂપતા લાગુ કરી શકાતી નથી.’

બંધારણની ૨૧મી કલમનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘કલમ ૨૧ હેઠળ રાજ્યએ ટ્રાયલ પહેલાં કોઈને લાંબા સમય સુધી અટકાયતમાં રાખવા માટે મજબૂત પુરાવા પૂરા પાડવા જોઈએ. ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સામેના આરોપો નોંધપાત્ર રીતે સાચા સાબિત થયા છે. તેથી કાનૂની કાર્યવાહીના આ તબક્કે તેમને જામીન આપી શકાતા નથી.’
ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને એક વર્ષ પછી જામીન માટે અરજી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. કોર્ટ દ્વારા પોલીસ અને ટ્રાયલને કેસ ઝડપથી ચલાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને એક વર્ષની અંદર તમામ સાક્ષીઓની તપાસ કરવામાં આવશે.’

supreme court Crime News delhi violence new delhi delhi news national news news