સુપ્રીમ કોર્ટમાં હોબાળો, અરજદાર CJI સામે બોલ્યા અપશબ્દો અને ફેંક્યા કાગળ

10 July, 2026 07:59 PM IST  |  Praygraj | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક અરજદાર મુખ્ય ન્યાયાધીશ સામે અપશબ્દો બોલ્યો અને બેન્ચ સામે કાગળો ફેંક્યા હતા. સુરક્ષાકર્મીઓએ તેને બહાર કાઢ્યો હતો, જોકે કોર્ટે તેની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરી નથી.

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટમાં આજે શુક્રવારે, 10 જુલાઈએ ભારે હોબાળો જોવા મળ્યો હતો. પોતાનો કેસ પોતે જ લડી રહેલા એક શખ્સે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને બેન્ચ સામે કોર્ટરૂમમાં કાગળો ફેંક્યા હતા. કોર્ટની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કર્યા બાદ સુરક્ષાકર્મીઓએ તેને કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા. આ ઘટના સવારે લગભગ 11 વાગ્યે જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચ સામે બની હતી.

સુપ્રીમ કોર્ટમાં કાગળ ફેંકનાર વ્યક્તિની ઓળખ પ્રબળ પ્રતાપ તરીકે થઈ

સુપ્રીમ કોર્ટમાં કાગળ ફેંકનાર અરજદારની ઓળખ પ્રબળ પ્રતાપ તરીકે થઈ છે. તે બેન્ચ સામે હાજર થયો હતો અને પોતાને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઓળખાવ્યો હતો. ન્યાયાધીશોને સંબોધતા તેણે કહ્યું, "હું તમને આદેશ આપું છું કે લખનઉના ASP વિરુદ્ધ સાયબર ગુનાનો સિન્ડિકેટ ચલાવવાના મામલે FIR નોંધવાનો આદેશ આપો." આ વાત સાંભળીને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન ડઘાઈ ગયા અને તેમણે પૂછ્યું કે, "તમે અમને આદેશ આપી રહ્યા છો?" ત્યારબાદ અરજદારે મુખ્ય ન્યાયાધીશ સામે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને હવામાં કાગળો ફેંક્યા હતા, જેના કારણે કોર્ટની સુનાવણીમાં અડચણ ઊભી થઈ હતી. ઘટના બાદ કોર્ટના સુરક્ષાકર્મીઓએ તરત જ હસ્તક્ષેપ કર્યો અને તેને કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા. બાદમાં તેને થોડા સમય માટે કોર્ટરૂમની અંદર આવેલા DSPની ઑફિસમાં રાખવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે અરજદાર સામે કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો

સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં અડચણ ઊભી કરવા છતાં બેન્ચે અરજદાર સામે અવમાનના કે અન્ય કોઈ સજા કરવાની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો. જજે કહ્યું, "તે ખૂબ જ પરેશાન છે. આ બધું તેની નિરાશાના કારણે થયું છે. અમારા મનમાં તેના માટે માત્ર સહાનુભૂતિ છે." જસ્ટિસ વિશ્વનાથને પોતાનો આદેશ સંભળાવતા કહ્યું કે, "અમે તેની સામે કોઈ કાર્યવાહી કરવા માગતા નથી. કેસના મુદ્દા અંગે અમે તમામ રેકોર્ડ તપાસી લીધા છે." તેમણે વધુમાં કહ્યું કે, વિવાદિત આદેશમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ મજબૂત કારણ મળ્યું નથી. આ સાથે જ સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ફગાવી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં કયા મામલે ચાલી રહી હતી સુનાવણી? જાણો આખી ઘટના

અરજદારે અલાહાબાદ હાઈકોર્ટના તે નિર્ણયને પડકાર્યો હતો, જેમાં સ્પેશિયલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (કસ્ટમ્સ), લખનઉના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી તેની અરજીને ફગાવી દેવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો હતો કે FIR નોંધવાને બદલે તેની અરજીને ખાનગી ફરિયાદ તરીકે ગણવામાં આવે. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે અરજદાર પાસે અન્ય કાયદેસર વિકલ્પ ઉપલબ્ધ છે અને તે યોગ્ય જગ્યાએ જઈ શકે છે. હાઈકોર્ટના નિર્ણયમાં દખલ દેવાનો કોઈ યોગ્ય આધાર ન મળતા સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ફગાવી દીધી હતી અને આ મામલો પૂર્ણ થયો હતો.

supreme court allahabad uttar pradesh yogi adityanath news national news lucknow prayagraj