26 November, 2025 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ૫૦ ટકા કરતાં વધુ અનામત સંદર્ભે નોંધાયેલી અરજીની ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. એ વખતે સિનિયર ઍડ્વોકેટ જયસિંહે રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણીની પ્રિક્રિયા ઑલરેડી ચાલુ થઈ ગઈ છે ત્યારે હવે એને રોકી નહીં શકાય. વળી અનામત માટેની મોટા ભાગની સ્વરાજ સંસ્થાઓ આદિવાસી વિસ્તારની છે.’
એના પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે લોકશાહી સરળતાથી ચાલતી રહે એ બાબતની અમે ખાતરી કરવાના છીએ. એથી આ વિશે આજે અમે કોઈ પણ મત વ્યક્ત નહીં કરીએ. સૉલિસિટર જનરલે આ બાબતની રજૂઆત માટે હજી વધુ સમય જોઈએ છે એવી રજૂઆત કરતાં એને માન્ય રાખીને આ પ્રકરણની વધુ સુનાવણી હવે શુક્રવાર, ૨૮ નવેમ્બર પર રાખવામાં આવી છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે ‘આ પ્રકરણ બાબતે અમે આજે કોઈ પણ મત વ્યક્ત કરીશું નહી, પણ લોકશાહી સરળતાથી ચાલતી રહે એ બાબતની અમે ખાતરી કરીશું. ૫૦ અને ૬૦ ટકા લોકોની લડાઈમાં લોકોને પ્રતિનિધિત્વ મળતું નથી. અમે ચૂંટણી કરવાનો નિર્દેશ આપીશું. આ માટે અમે એક બીજી મોટી બેન્ચ પણ બનાવી શકીએ.’
ઉપરોક્ત સુનાવણીમાં સિનિયર ઍડ્વોકેટ શેખર નાફાડેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં કેટલાક એવા વિસ્તારો પણ છે જ્યાં ૯૦ ટકા અધર બૅકવર્ડ સમાજ છે. નંદુરબાર જિલ્લો એમાંનો એક છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મતદાસંઘની લોકસંખ્યાના આધારે અનામત હોવી જોઈએ. એથી ૫૦ ટકાનો ફરક છે. જોકે કેટલાક વિસ્તારોમાં ૯૯ ટકા આદિવાસી લોકસંખ્યા છે એનું શું કરવું?’
ઍડ્વોકેટ જયસંહે કહ્યું હતું કે ‘દેશમાં ૧૯૩૧ પછી જાતિ આધારિત જનગણના થઈ નથી. એથી અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ની ટકાવારીનું મૂલ્યાંકન કરવા કેન્દ્ર સરકારે જાતિ આધારિત જનગણનાની જાહેરાત કરી છે.’
૫૦ ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થયેલા વિસ્તારોમાં OBCની ટકાવારી બાબતે ડીટેલ્ડ માહિતી ૨૮ નવેમ્બરની સુનાવણીમાં આપવા ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું.