28 March, 2025 11:05 AM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં તાજ ટ્રૅપેઝિયમ ઝોનમાં આવેલા મથુરા-વૃંદાવનમાં ૪૫૪ વૃક્ષો કાપનાર વ્યક્તિને પ્રતિ વૃક્ષ એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. સુપ્રીમ કોર્ટે દંડની રકમમાં રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવાં એ માણસોને મારવા કરતાં પણ ખરાબ છે.
૪૫૪ વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અભય એસ. ઓક અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું હતું કે ‘પર્યાવરણને લગતા કેસમાં કોઈ દયા હોવી જોઈએ નહીં. પરવાનગી વિના કાપવામાં આવેલાં ૪૫૪ વૃક્ષો દ્વારા બનાવવામાં આવેલા ગ્રીન કવરને ફરીથી ઉત્પન્ન કરવા અથવા ફરીથી બનાવવા માટે ઓછામાં ઓછાં ૧૦૦ વર્ષ લાગશે.’
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના રિપોર્ટને સ્વીકાર્યો હતો જેમાં શિવશંકર અગ્રવાલને મથુરા-વૃંદાવનમાં દાલમિયા ફાર્મ્સમાં ૪૫૪ વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ભલામણ કરવામાં આવી હતી.
આરોપી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે તેમણે ભૂલ સ્વીકારી છે, પરંતુ કોર્ટે દંડની રકમ ઘટાડવાનો ઇનકાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અગ્રવાલને નજીકના સ્થળે વાવેતર કરવાની મંજૂરી આપવી જોઈએ અને ઉમેર્યું હતું કે તેમની સામે દાખલ કરાયેલી અવમાનનાની અરજીનો નિકાલ ફક્ત પાલન પછી જ કરવામાં આવશે.
શું છે તાજ ટ્રૅપેઝિયમ ઝોન?
ઉત્તર પ્રદેશના આગરામાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તાજમહલ, આગરા ફોર્ટ અને ફતેહપુર સિકરીના કુલ ૧૦,૪૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને તાજ ટ્રૅપેઝિયમ ઝોન કહેવામાં આવે છે અને તાજમહલના સંરક્ષણ માટે આ વિસ્તારમાં વૃક્ષ કાપવા પર પ્રતિબંધ છે. એમાં રાજસ્થાનના ભરતપુર ડિવિઝનનો પણ સમાવેશ છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ન ફેલાય એ માટે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓને પણ સ્થળાંતરિત કરવામાં આવી છે.