13 September, 2025 07:19 AM IST | Mathura | Gujarati Mid-day Correspondent
ઠાકુર બાંકે બિહારી મંદિરમાં VIP સ્લિપ દર્શનની સિસ્ટમથી એન્ટ્રી આપવાનું બંધ કરવામાં આવશે
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલા ઠાકુર બાંકે બિહારી મંદિરમાં VIP સ્લિપ દર્શનની સિસ્ટમથી એન્ટ્રી આપવાનું બંધ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર્ડ કમિટીએ ગુરુવારે દર્શનનો સમય વધારવાનો પણ નિર્ણય લીધો હતો. આ નિર્ણયના અમલ પછી મંદિરમાં VIP કલ્ચર સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને તમામ ભક્તોને બાંકે બિહારીનાં દર્શન કરવાની સમાન તક મળશે. હવે સામાન્ય ભક્તોને VIP એન્ટ્રીને કારણે થતી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. આ બેઠકમાં ભક્તોની સુવિધા અને મંદિરની સુરક્ષા અંગે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગર્ભગૃહની નજીકની બંધ રૂમની તપાસ
મંદિરના ગર્ભગૃહની નજીક આવેલી બંધ રૂમ ખોલવા માટે એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ રૂમ ખોલવામાં આવ્યા બાદ એની વિડિયોગ્રાફી દ્વારા ઇન્વેન્ટરી તૈયાર કરવામાં આવશે અને સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
મંદિરની માલિકીની મિલકતોનું આૅડિટ થશે
શ્રી બાંકે બિહારી મંદિરની માલિકીની સ્થાવર અને જંગમ મિલકતની વિગતો ૧૫ દિવસમાં મેળવીને સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. આ ઉપરાંત ૨૦૧૩થી ૨૦૧૬ના સમયગાળાનું ખાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-રૂડકી દ્વારા ઑડિટ પણ કરવામાં આવશે. મંદિરમાં પ્રવેશ ફક્ત નક્કી કરાયેલા પ્રવેશદ્વારથી જ થશે અને બહાર નીકળવાનો માર્ગ ફક્ત એક્ઝિટ ગેટથી જ રહેશે. આ સિસ્ટમ લાગુ કરવા માટે વરિષ્ઠ પોલીસ અધિક્ષકને ૩ દિવસમાં જરૂરી પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.
ભૂતપૂર્વ સૈનિકો કરશે મંદિરની સુરક્ષા
મંદિરમાં હાલની ખાનગી સુરક્ષાને દૂર કરીને વધુ સારી એજન્સી અથવા નિવૃત્ત સૈનિકો ધરાવતી એજન્સીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે આ સમયે કરી શકાશે બાંકે બિહારીનાં દર્શન
ઉનાળામાં ભક્તો સવારે ૭.૧૫થી બપોરે ૧૨.૩૦ અને સાંજે ૪.૧૫થી ૯.૩૦ વાગ્યા સુધી ભગવાનનાં દર્શન કરી શકશે. ઉનાળામાં સવારે સાતથી ૭.૧૫ વાગ્યા સુધી, બપોરે ૧૨.૩૦થી ૧૨.૪૫ વાગ્યા સુધી અને રાત્રે ૯.૩૦થી ૯.૪૫ વાગ્યા સુધી આરતી થશે. શિયાળામાં દર્શન સવારે ૮.૧૫થી ૧.૩૦ અને સાંજે ચારથી ૯ વાગ્યા સુધી રહેશે. ઠંડીને ધ્યાનમાં રાખીને સવારની આરતી સવારે આઠથી ૮.૧૫ વાગ્યા સુધી, બપોરની આરતી ૧.૩૦થી ૧.૪૫ વાગ્યા સુધી અને રાત્રે ૯ વાગ્યાથી ૯,૧૫ વાગ્યા સુધી આરતી થશે. મંદિરમાં દર્શન ચાલુ હશે એ સમયે સતત લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.