16 September, 2025 07:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે સોમવારે વક્ફ (સુધારા) કાયદા પર સંપૂર્ણ સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે જણાવ્યું હતું કે કેટલીક કલમોને રક્ષણની જરૂર છે. વક્ફ બનાવવા માટે વ્યક્તિ પાંચ વર્ષથી ઇસ્લામનો પાળનાર હોવી જોઈએ એવી જોગવાઈને કોર્ટે સ્થગિત કરી છે. કોર્ટે વક્ફ મિલકતો નક્કી કરવામાં કલેક્ટરની ભૂમિકા વિશેની જોગવાઈને પણ સ્થગિત કરી છે.
સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા ૨૦૨૫માં એ જોગવાઈને સ્થગિત કરી છે કે વ્યક્તિ વક્ફ બનાવવા માટે પાંચ વર્ષ માટે ઇસ્લામનો પાળનાર હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વ્યક્તિ ઇસ્લામનો પાળનાર છે કે નહીં એ નક્કી કરવા માટે નિયમો ઘડવામાં ન આવે ત્યાં સુધી આ જોગવાઈ સ્થગિત રહેશે. કલમ ૩૭૪ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહેસૂલ રેકૉર્ડ સંબંધિત કલમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે બોર્ડમાં ત્રણથી વધુ બિન-મુસ્લિમો ન હોવા જોઈએ, બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) પણ મુસ્લિમ હોવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલેક્ટરને વ્યક્તિગત નાગરિકોના અધિકારો નક્કી કરવાની મંજૂરી આપી શકાય નહીં, આ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન હશે. એથી જ્યાં સુધી ટ્રિબ્યુનલનો નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષ સામે કોઈ પણ તૃતીય પક્ષના અધિકારો બનાવી શકાતા નથી. કલેક્ટરને આવા અધિકારો આપતી જોગવાઈઓ પર પ્રતિબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે કાયદા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતાં કહ્યું છે કે કોઈ પણ કાયદાની બંધારણીયતાની તરફેણમાં હંમેશાં ધારણા હોય છે અને દખલગીરી ફક્ત દુર્લભમાંથી દુર્લભ કિસ્સાઓમાં જ કરવામાં આવે છે, એથી સુપ્રીમ કોર્ટ કાયદા પર પ્રતિબંધ મૂકી શકતી નથી.
૩ મુદ્દાઓ પર કરવામાં આવી હતી અરજી
અરજદારોએ ૩ મુદ્દાઓ ઉઠાવીને વક્ફ કાયદાની માન્યતાને પડકાર ફેંક્યો હતો, પરંતુ સતત ૩ દિવસ સુધી અરજીની સુનાવણી કર્યા પછી બેન્ચે બાવીસ મેના રોજ વચગાળાનો આદેશ અનામત રાખ્યો હતો. આ બેન્ચનું નેતૃત્વ ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ પોતે કર્યું હતું. અરજદારોએ રાજ્ય વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના માળખા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે માગણી કરી હતી કે વક્ફ બોર્ડમાં ફક્ત મુસ્લિમોનો જ સમાવેશ થવો જોઈએ. કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ વક્ફ-સુધારા કાયદાને સૂચિત કર્યો હતો.