બ્રેસ્ટ પકડવાં એ બળાત્કારનો પ્રયાસ ન કહેવાય એવા અલાહાબાદ હાઈ કોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

27 March, 2025 10:27 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ચાર મહિના અનામત રાખ્યા પછી આપવામાં આવ્યો હતો, આમ એમાં માઇન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે ઉપરોક્ત પૅરેગ્રાફમાં આપવામાં આવેલા અવલોકનોને સ્ટે આપીએ છીએ.

અલાહાબાદ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે અલાહાબાદ હાઈ કોર્ટના એ વિવાદાસ્પદ આદેશ પર સ્ટે આપ્યો હતો જેમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે બ્રેસ્ટ પકડવાં અથવા પાયજામાની દોરી તોડવી જેવાં કૃત્ય બળાત્કારનો પ્રયાસ નથી.

અલાહાબાદ હાઈ કોર્ટના ૧૭ માર્ચના આદેશ સામે ‘વી ધ વિમેન ઑફ ઇન્ડિયા’ નામની સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે જાતે આ કેસની નોંધ લીધી હતી અને જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટીન જ્યૉર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે ‘અમને જણાવતાં દુઃખ થાય છે કે આ ચુકાદો હાઈ કોર્ટના જજ દ્વારા સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે. આ ચુકાદો તત્કાળ લેવાયો નહોતો, પણ એને ચાર મહિના અનામત રાખ્યા પછી આપવામાં આવ્યો હતો, આમ એમાં માઇન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે ઉપરોક્ત પૅરેગ્રાફમાં આપવામાં આવેલા અવલોકનોને સ્ટે આપીએ છીએ.’

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારનો પણ જવાબ માગ્યો હતો.

શું છે કેસ?

ઉત્તર પ્રદેશના કાસગંજના એક માણસે ૨૦૨૨ની ૧૨ જાન્યુઆરીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તે ૨૦૨૧ના નવેમ્બર મહિનામાં પોતાની ૧૧ વર્ષની દીકરી સાથે એક સંબંધીના ઘરેથી પાછો ફરી રહ્યો હતો એ સમયે તેને ગામના રહેવાસી એવા પવન, આકાશ અને અશોક મળ્યા હતા અને તેમણે બાઇક પર તેની દીકરીને ઘરે મૂકવાની વાત કરી હતી. પુરુષે વાત માની હતી અને તેમના પર વિશ્વાસ મૂકીને દીકરીને તેમની સાથે જવા દીધી હતી, પણ રસ્તામાં ત્રણેય યુવાનોએ બાઇક રોકીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે આરોપીઓએ તેનાં બ્રેસ્ટ પકડી લીધાં હતાં અને એક જણે તેના પાયજામાનું નાડું ખેંચી કાઢ્યું હતું. ગ્રામજનો આ સ્થળે પહોંચી જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા.

અલાહાબાદ હાઈ કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

આ કેસમાં ૧૭ માર્ચે અલાહાબાદ હાઈ કોર્ટે એના ચુકાદામાં કહ્યું હતું કે ‘બ્રેસ્ટ પકડવાં કે પાયજામાનું નાડું ખેંચવું એ બળાત્કારના અપરાધમાં આવતું નથી. જોકે આ પ્રકારના અપરાધને કોઈ પણ મહિલા વિરુદ્ધ હુમલો કે બળજબરીના પ્રયાસરૂપે જરૂર જોવામાં આવે છે. આ આદેશ જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ પવન અને આકાશ દ્વારા કરવામાં આવેલી અરજીમાં આપ્યો હતો.

allahabad prayagraj supreme court national news rape case crime news news sexual crime