26 November, 2025 10:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો ઇનકાર કરનાર ખ્રિસ્તી આર્મી અધિકારી સૅમ્યુઅલ કમલેસનને બરતરફ કરવાના સેનાના આદેશને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઈ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો અને અવલોકન કર્યું હતું કે ‘એક સંસ્થા તરીકે સેના ધર્મનિરપેક્ષ છે અને એની શિસ્ત સાથે સમાધાન કરી શકાતું નથી. આ સૌથી ઘોર અનુશાસનહીનતા છે. આમ કરીને તમે તમારા સૈનિકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તમે સેના માટે સંપૂર્ણપણે અયોગ્ય છો.’
૨૦૧૭માં લેફ્ટનન્ટ તરીકે કમિશન પામેલા અને સિખ સ્ક્વૉડ્રનમાં નિયુક્ત થયેલા કમલેસને શિસ્તભંગના પગલાને પડકાર્યું હતું અને દલીલ કરી હતી કે મંદિરમાં પ્રવેશવાની ફરજ પાડવામાં આવવાથી તેમની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું છે.
ચીફ જસ્ટિસે દિલ્હી હાઈ કોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કરતાં અવલોકન કર્યું હતું કે ‘તે કેવો સંદેશ આપી રહ્યો છે? એક સૈન્ય અધિકારી દ્વારા કરવામાં આવેલી આ સૌથી ઘૃણાસ્પદ શિસ્તભંગ છે.’
શું હતો કેસ?
૨૦૧૭માં સૅમ્યુઅલ કમલેસન જે રેજિમેન્ટમાં લૅફ્ટનન્ટ હતા ત્યાં એક મંદિર અને ગુરુદ્વારા હતાં. જ્યાં દર અઠવાડિયે રેજિમેન્ટલ પરેડ થતી હતી. સૅમ્યુઅલ મંદિરના અંદરના હિસ્સામાં પૂજા, હવન કે આરતી કરવાની ના પાડતા. તેમનું કહેવું હતું કે તેમની ધાર્મિક માન્યતા આની પરવાનગી નથી આપતી એટલે દેવી-દેવતાની પૂજા કરવાનું ખોટું મનાય છે. સૅમ્યુઅલનો આરોપ હતો કે તેમના કમાન્ડન્ટ તેમના પર દબાણ બનાવતા હતા જ્યારે સેનાના અધિકારીઓનું કહેવું હતું કે બહુ સમજાવ્યા પછી પણ તેમણે રેજિમેન્ટલ પરેડમાં પૂરો ભાગ ક્યારેય લીધો નહીં જેને કારણે યુનિટની એકતા નબળી પડી હોવાથી સેનાએ તેમને બરતરફ કર્યા હતા.