જંતરમંતર પર રાજીનામાની જાહેરાત કરનારો કૉન્સ્ટેબલ તો સસ્પેન્ડ થયેલો છે

25 July, 2026 10:07 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જંતરમંતર પર રાજીનામાની જાહેરાત કરનારો કૉન્સ્ટેબલ તો સસ્પેન્ડ થયેલો છે, અગાઉથી જ ચાલી રહી છે બરતરફીની કાર્યવાહી

ગઈ કાલે જંતરમંતર પર CJPના અભિજિત દીપકે સાથે વિવાદાસ્પદ કૉન્સ્ટેબલ શેર સિંહ.

દિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન દરમ્યાન ઉત્તરાખંડ પોલીસના સસ્પેન્ડેડ કૉન્સ્ટેબલ શેર સિંહે મંચ પરથી આપેલા રાજીનામાથી નવો વિવાદ ઊભો થયો છે. શેર સિંહે જાહેરાત કરી હતી કે ‘હું વિદ્યાર્થીઓ માટે મારું જીવન સમર્પિત કરવા તૈયાર છું. આજથી આ મંચ પરથી હું સરકારી નોકરીનો ત્યાગ કરું છું અને હવે વિદ્યાર્થીઓ સાથે લડત આપવામાં આવશે.’ 

જોકે પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી છે કે શેર સિંહ લાંબા સમયથી સક્રિય પોલીસસેવામાં જ નથી અને તેની સામે ગંભીર ગુનાહિત કેસો તેમ જ બરતરફીની કાર્યવાહી અગાઉથી ચાલી રહી છે.
શેર સિંહ સામે ૨૦૨૫માં ગંભીર ગુનાહિત કેસ નોંધાયો હતો. કુખ્યાત ગૅન્ગસ્ટર પ્રવીણ વાલ્મીકિની ગૅન્ગ સાથે મળીને જમીન પચાવી પાડવાનો અને એક વિધવા મહિલાના પરિવારને ધમકાવવાનો તેના પર આરોપ છે. આ કેસમાં સપ્ટેમ્બર ૨૦૨૫માં તેની ધરપકડ બાદ તેને સસ્પેન્ડ કરાયો હતો અને નવેમ્બરમાં નૈનિતાલ હાઈ કોર્ટમાંથી તેને જામીન મળ્યા હતા.

જૂન ૨૦૨૬થી પરવાનગી વગર ગેરહાજર રહેવા બદલ ૨૦ જુલાઈએ તેને ફરીથી સસ્પેન્ડ કરાયો હતો. પોલીસ વિભાગના મતે જે કર્મચારી અગાઉથી જ સસ્પેન્ડ હોય અને જેના પર બરતરફીની પ્રક્રિયા ચાલુ હોય તેનો મંચ પરથી પોલીસ-બૅજ ઉતારીને રાજીનામું આપવાનો દાવો માત્ર એક જાહેર પ્રદર્શન સમાન છે. 

પૅલેટ ગનથી ઘવાયેલા વિદ્યાર્થીને મીડિયા સમક્ષ રજૂ કર્યો રાહુલ ગાંધીએ

૨૦ જુલાઈની વિદ્યાર્થીઓની સંસદકૂચ દરમ્યાન સુરક્ષાદળો દ્વારા કરાયેલા બળપ્રયોગ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. ગઈ કાલે મીડિયાને સંબોધતાં રાહુલ ગાંધીએ ૨૦ જુલાઈના આંદોલન દરમ્યાન પૅલેટ ગનથી ઘવાયેલા સાહિલ નામના વિદ્યાર્થીને પોતાની સાથે મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. સાહિલની ઈજા દર્શાવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘જ્યારે મારો ભાઈ હાથમાં તિરંગો લઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યો હતો ત્યારે તેના પર પૅલેટ ગન છોડવામાં આવી હતી. સરકારે આપણા દેશના વિદ્યાર્થીઓ પર હુમલા કરવાનું બંધ કરવું જોઈએ.’

પેપર-લીકના વિવાદ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણઃ કહ્યું કે આ રીતે ચાલવા દેવાય નહીં, અમે ધ્યાન રાખીશું

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર સરકારને NEET-UG પરીક્ષાને લગતી ભૂલોની શ્રેણીનો અંત લાવવા કહ્યું હતું અને કમ્પ્યુટર-આધારિત પરીક્ષણ તરફ સ્થળાંતર કરવાની એની યોજનાઓ વિશે વિગતો માગી હતી. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે પેપર-લીકના મુદ્દાની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેઓ આ મુદ્દા પર ખૂબ જ નજીકથી નજર રાખશે અને નિયમિતપણે ફૉલોઅપ પણ કરશે, આપણે આને આમ જ ચાલવા ના દઈએ. આ મુદ્દે બેન્ચે કહ્યું હતું કે કૃપા કરીને અમને જણાવો કે તમે સંપૂર્ણપણે ઑનલાઇન મોડ તરફ જવા માટે શું કરી રહ્યા છો, અમને જણાવો કે જ્યારે તમે કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ તરફ વળો ત્યારે ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખશો. આ મુદ્દે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના મુદ્દાઓને ઉકેલવા માટે આગળ વધી રહી છે. તેમણે કોર્ટ સમક્ષ સરકારનો દૃષ્ટિકોણ રજૂ કરવા માટે થોડા વધુ સમયની માગણી કરી હતી. કોર્ટે આ મામલા પર સુનાવણી ૩ ઑગસ્ટે સૂચિબદ્ધ કરી છે.

૨૦૨૪ના NEET-UG પેપર-લીકના મુખ્ય સૂત્રધાર સામે પુરાવા ન મળ્યા: CBIએ આપી ક્લીન ચિટ

૨૦૨૪માં થયેલા દેશવ્યાપી નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક કેસમાં તપાસ-એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન 
(CBI)એ સ્પષ્ટતા કરી છે કે પેપર-લીક રૅકેટના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયા સામે તપાસ દરમ્યાન કોઈ પુરાવા મળ્યા નથી, જે આ કેસમાં તેની ભૂમિકા સાબિત કરી શકે. CBIએ જણાવ્યું હતું કે તેને જાણી જોઈને બચાવવામાં આવ્યો હોવાનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે. ૨૦૨૪માં બિહાર પોલીસે NEET-UG પેપર-લીકનો પર્દાફાશ કર્યો અને આ સંદર્ભમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો. સંજીવ મુખિયાનું નામ અગાઉ અનેક પેપર-લીક કેસોમાં સામે આવ્યું હોવાના આધારે FIRમાં આરોપી તરીકે તેનું નામ આપવામાં આવ્યું હતું. બાદમાં આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. તપાસના આધારે ૪૫ આરોપીઓ સામે અનેક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. CBIએ તેને પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ પર લીધો હતો. પૂછપરછ અને પુરાવાઓની તપાસ છતાં CBIને તેની વિરુદ્ધ એવા પુરાવા મળ્યા નહોતા જે તેની સંડોવણી સાબિત કરે. તેથી CBIએ આ કેસમાં તેના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ન હતી. બાદમાં આ કેસમાં તેને જામીન આપવામાં આવ્યા હતા, જોકે બિહાર પોલીસ દ્વારા અન્ય કેસની તપાસ ચાલી રહી હોવાથી તે જુડિશ્યલ કસ્ટડીમાં છે.

national news india cockroach janata party jantar mantar indian government neet exam uttarakhand abhijit dipake rahul gandhi