પશ્ચિમ બંગાળના ચીફ મિનિસ્ટર સુવેન્દુ અધિકારીએ કાલી ઘાટ મંદિરમાં બેસીને માછલી ખાધી

12 September, 2026 10:33 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

દુર્ગાપૂજા વખતે માંસાહારી ભોજન છોડવાની બાગેશ્વર બાબાની અપીલ પછીના વિવાદનો અંત લાવવાની કોશિશ

મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ કૌશિકી અમાવસ્યાના અવસર પર કાલીઘાટની મુલાકાત લીધી હતી

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ બંગાળી હિન્દુઓને દુર્ગાપૂજા વખતે માંસાહારી ખોરાક ન ખાવાની કરેલી અપીલના પગલે ઊભા થયેલા વિવાદનો અંત લાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ કાલીઘાટના કાલી મંદિરમાં બેસીને માછલી ખાધી હતી. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ બંગાળીઓને દુર્ગાપૂજામાં માંસથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે ધાર્મિક પ્રસંગોએ માંસ ખાનારાઓને દંભી પણ ગણાવ્યા હતા.

મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ કૌશિકી અમાવસ્યાના અવસર પર કાલીઘાટની મુલાકાત લીધી હતી, જેને શાક્ત હિન્દુઓ દ્વારા શુભ માનવામાં આવે છે. તેમણે ભાવિકોને પેંડાનો પ્રસાદ પણ આપ્યો હતો. આ પ્રસંગના એક વિડિયોમાં મુખ્ય પ્રધાન જમીન પર બેસીને પ્રસાદ ખાતા જોવા મળ્યા હતા. કાલીઘાટમાં મા કાલીને માછલી અને બલિદાન આપેલા બકરાનું માંસ ચડાવવાની પરંપરા છે. ભક્તો પાછળથી આ પ્રસાદનો ભાગ લે છે. મુખ્ય પ્રધાનને આપવામાં આવેલી કાલીઘાટ પ્રસાદની થાળીમાં મીઠાઈ, માછલી અને બસંતી પુલાવ (પીળા ચોખા) સામેલ હતા.

માંસ વિશે બાગેશ્વર બાબાના નિવેદન વિશે સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે ‘તમે માનો કે ન માનો, બાબા બાગેશ્વરનું કથન એક સંતનું મંતવ્ય છે. એક બંગાળી તરીકે હું પણ ભગવાનને ચડાવવામાં આવતા પ્રસાદના ભાગરૂપે માછલી અને માંસ ખાઉં છું. હું પોતે અષ્ટમી પર સાત્ત્વિક આહારનું પાલન કરું છું. મેં કાલીબાડીની મુલાકાત લીધી અને પ્રસાદ તરીકે બસંતી પુલાવ અને માછલી ખાધી. આનાથી સનાતન સંસ્કૃતિ ક્યારેય નબળી નહીં પડે.’

આ અગાઉ સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં સ્પષ્ટતા કરી હતી કે ‘બાગેશ્વર બાબાએ કોઈ આદેશ જાહેર કર્યો નથી, પરંતુ ફક્ત અપીલ કરી છે. સંમત થાઓ કે અસંમત થાઓ, પરંતુ એક સંતને અપમાનિત કરવા અને તેમના ફોટોગ્રાફ્સ બાળવા એ બધી હદો પાર કરવા સમાન છે.’

વિવાદનો અંત આવ્યો : BJPના પ્રવક્તા

આ મુદ્દે BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું હતું કે ‘વિવાદ ત્યાં જ સમાપ્ત થવો જોઈએ જ્યાં એ સમાપ્ત થવો જોઈએ. મુખ્ય પ્રધાન કાલીઘાટ ખાતે દેવી કાલીને પરંપરાગત માછલી ભોગ ચડાવવામાં ભાગ લે છે જે બંગાળની શ્રદ્ધા, પરંપરાઓ અને જીવનશૈલીનું સન્માન છે. તેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી (BJP) હંમેશાં બંગાળનાં હિતો, બંગાળની પરંપરાઓ અને બંગાળ માટે શું યોગ્ય છે એના માટે મજબૂત રીતે ઊભી રહેશે.’

west bengal dhirendra shastri bageshwar baba durga puja national news news