24 April, 2025 12:52 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર સ્થાનિક યુવાન સૈયદ આદિલ હુસેન શાહના પિતા સૈયદ હૈદરને ગળે લગાડી સાંત્વન આપી રહેલા જમ્મુ ઍન્ડ કાશ્મીરના ચીફ મિનિસ્ટર ઓમર અબદુલ્લા.
પહલગામના આતંકવાદી હુમલામાં સ્થાનિક યુવાન સૈયદ આદિલ હુસેન શાહનું પણ મૃત્યુ થયું હતું. સૈયદ પહલગામમાં ટટ્ટુવાળો છે અને તે કાર-પાર્કિંગથી ટૂરિસ્ટોને મિની સ્વિટ્ઝરલૅન્ડ સુધી ટટ્ટુ પર લઈ જતો હતો. બૈસરન ઘાટીમાં માત્ર ટટ્ટુ પર કે પગપાળા જવાય છે. હુમલો થયો ત્યારે સૈયદ શાહ એક ટૂરિસ્ટને લઈને પહોંચ્યો હતો અને આતંકવાદીએ તેના પર ગોળીઓ છોડી હતી. એ સમયે સૈયદે પણ આતંકવાદી પાસેથી રાઇફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો, પણ આતંકવાદીએ તેના પર ગોળીઓ છોડી હતી અને તેનું મૃત્યુ થયું હતું.
સૈયદ શાહ તેના ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી. તેના ઘરમાં વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે. સૈયદ શાહના પિતા સૈયદ હૈદરે જણાવ્યું હતું કે ‘મારો દીકરો ઘરમાં એકમાત્ર કમાનાર હતો. ગઈ કાલે તે કામ કરવા પહલગામ ગયો હતો. ત્રણ વાગ્યાની આસપાસ અમને હુમલાની જાણ થઈ, અમે તેને ફોન લગાવ્યો પણ ફોન બંધ હતો. ૪.૩૦ વાગ્યે તેનો ફોન ચાલુ થયો પણ કોઈએ જવાબ આપ્યો નહીં. અમે પોલીસ-સ્ટેશન પહોંચ્યા ત્યારે ખબર પડી કે તે ઘાયલ થયો છે. મારો દીકરો શહીદ થયો છે, અમે એના મોત માટે ન્યાય માગીએ છીએ.’
સૈયદ શાહની માતાએ કહ્યું હતું કે ‘તે અમારો એકમાત્ર સહારો હતો. ઘોડાની સવારીથી પરિવાર માટે નાણાં કમાતો હતો. હવે અમારા માટે કોઈ નથી કે જે અમને ભરણપોષણ આપે, અમે નથી જાણતા કે એના વિના અમે શું કરીશું.’