29 November, 2026 01:32 PM IST | tamil nadu | Gujarati Mid-day Correspondent
ઐતિહાસિક દીપ
એક ઐતિહાસિક ક્ષણમાં તામિલનાડુના મદુરાઈમાં તિરુપરંકુન્દ્રમ ટેકરી પર ૧૦૦ વર્ષના લાંબા સમયગાળા બાદ ગઈ કાલે કાર્તિગાઈ દીપમ દીપથૂન પથ્થરસ્તંભ પર પ્રગટાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી, જેને નિહાળવા એકત્ર થયેલા ભક્તોમાં ભાવુક પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ગયા મંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આ દીપમ દીપથૂન પથ્થરસ્તંભના બદલે પરંપરાગત ઉચીપિલ્લાયર મંડપમમાં પ્રગટાવવામાં આવ્યો હતો, સુપ્રીમ કોર્ટે આ ધાર્મિક વિધિ દીપથૂન પર પથ્થરસ્તંભ કરવાની મંજૂરી આપી હોવા છતાં ત્યાં આ વિધિ કરવામાં આવી નહોતી. આના પગલે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આ દીપમને પ્રગટાવવા આદેશ આપ્યો હતો.
આ દીપ પ્રગટાવવા માટે ૩૦ કિલોગ્રામ ઘી, ૫૦ મીટર સૂતરની વાટ અને પાંચ કિલો કપૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા નિયુક્ત રિસીવરોએ મંદિરના પરંપરાગત પૂજારીઓ સાથે દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય નક્કી કરવા માટે સલાહ લીધી હતી અને સાંજે પાંચ વાગ્યે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. આ સમયે લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. આ પ્રસંગે સુરક્ષાવ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને ટેકરી અને પહાડની ટોચની સિક્યૉરિટી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને સોંપવામાં આવી હતી.
વિવાદની પૃષ્ઠભૂમિ
દીપથૂન સ્તંભ તિરુપરંકુન્દ્રમ ટેકરીના ઉપરના ભાગમાં સ્થિત એક પથ્થરસ્તંભ છે, જે હઝરત સુલતાન સિકંદર બદુશા ઔલિયા દરગાહથી લગભગ ૫૦ મીટર દૂર છે.
મુસ્લિમ પક્ષ આ દીવો પ્રગટાવવાનો વિરોધ કરતો હોવાથી છેક ૧૮૬૨થી વિવાદ ચાલી રહ્યો છે.
૨૦૨૫ના ડિસેમ્બરમાં મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બેન્ચે દીપથૂન પર દીવા પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો, જેને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
૨૪ નવેમ્બરે દીપથૂન સ્તંભ પર દીપમ પ્રગટાવવાનો આદેશ હોવા છતાં રાજ્ય સરકારે સાંપ્રદાયિક સૌહાર્દ તથા કાયદો અને વ્યવસ્થા વિશેની ચિંતાઓ ટાંકીને આ આદેશની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ગત મંગળવારે દીવો પ્રગટાવવાના સમયના પહેલાં હાઈ કોર્ટે જિલ્લા પ્રશાસન, પોલીસ અને મંદિર સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આખરે ઉચીપિલ્લાયર મંડપમ ખાતે વિધિપૂર્ણ દીવો પ્રગટાવવામાં આવ્યો, જ્યાં વર્ષોથી પરંપરાગત રીતે આ વિધિ કરવામાં આવે છે.
વાર્ષિક કાર્તિગાઈ દીપમ દીવો પથ્થરના સ્તંભ પર પ્રગટાવવામાં આવે એનો તામિલનાડુ સરકારે વિરોધ કર્યો છે અને ત્યાં ધાર્મિક વિધિ કરવાની કોઈપણ સ્થાપિત પરંપરાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યો છે.
આ કેસની આગામી સુનાવણી ૧૫ ડિસેમ્બરે નક્કી કરવામાં આવી છે.