22 January, 2026 09:18 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષાદળોએ કાશ્મીર સહિત ભારતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરી દીધી છે
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતમાં આતંક ફેલાવવા માટે મોટું કાવતરું ઘડી કાઢ્યું હતું અને એનું કોડનેમ 26-26 રાખવામાં આવ્યું હતું એમ ભારતની ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું.
ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ કાશ્મીરમાં મોટા હુમલાની યોજના હતી. આ સિવાય દિલ્હી અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં હુમલો કરવાનો હતો. આ જાણકારી મળ્યા બાદ દેશભરમાં સુરક્ષા-એજન્સીઓ સતર્ક બની છે અને સુરક્ષા-વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે.
ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ સોશ્યલ મીડિયા ગ્રુપના માધ્યમથી યુવાનોને ઉશ્કેરવાનું કામ કરે છે. ગુપ્તચર એજન્સીઓ કાશ્મીરી રેઝિસ્ટન્સ ગ્રુપ સાથે સંકળાયેલી ફાલ્કન સ્ક્વૉડ પર પણ નજર રાખી રહી છે. આ સ્ક્વૉડ લગાતાર ધમકીઓ આપે છે અને મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવાની કોશિશ કરે છે.
ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં અયોધ્યાના રામમંદિરનો પણ ઉલ્લેખ છે. જોકે ત્યાં ૬ ડિસેમ્બરને નજરમાં રાખીને પહેલેથી જ સુરક્ષા-વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.
સૂત્રો જણાવે છે કે જૈશ-એ-મોહમ્મદ સિવાય પંજાબના કેટલાક ગૅન્ગસ્ટર પણ આતંકવાદીઓના નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. આના કારણે ઉત્તર ભારતમાં પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષાદળોએ કાશ્મીર સહિત ભારતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરી દીધી છે એને કારણે શોપિયાં જિલ્લામાં સર્ચ-ઑપરેશન દરમ્યાન અવનીરા ક્ષેત્રમાં જંગલમાં છ કિલોનો એક ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યો હતો. સુરક્ષાબળોએ એને નિયંત્રિત રીતે નિષ્ક્રિય કર્યો હતો.