12 March, 2025 06:57 AM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
થલાપતિ વિજય ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત અભિનેતા થલાપતિ વિજય, હવે રાજકારણમાં પણ પ્રવેશી ચૂક્યો છે. તાજેતરમાં વિજયે પવિત્ર રમઝાન માસની શરૂઆતમાં એક દિવસ માટે રોઝા રાખ્યા અને ઈફ્તાર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આ સમયે વિજયના ચાહકોએ તેની ખૂબ પ્રશંસા પણ કરી હતી. પણ હવે આજ પાર્ટીના આયોજન માટે વિજય એક વિવાદમાં સપડાયો છે.
મળતી માહિતી મુજબ, ચેન્નાઈ પોલીસ કમિશનર ઑફિસમાં થલાપતિ વિજય વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ તમિલનાડુ સુન્નત જમાત દ્વારા કરવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે વિજયે આયોજિત કરેલી ઈફ્તાર પાર્ટી દરમિયાન મુસ્લિમ સમુદાયનો અપમાન થયો છે. સુન્નત જમાતના મતે, વિજયે આયોજિત કરેલી ઈફ્તાર પાર્ટીમાં નશાખોરો અને હુલ્લડ મચાવનારા લોકો હાજર રહ્યા હતા. તેમના આરોપ મુજબ, આ ઘટના દ્વારા રમઝાનની પવિત્રતાનો ભંગ કરવામાં આવ્યો છે અને સમુદાયની ભાવનાને ઠેસ પહોચી છે. જમાતે આ કાર્યક્રમને એકતાને પ્રોત્સાહન આપવાના બદલે વિભાજનકારી ગણાવ્યો છે.
વિજયના પહેલા કાર્યક્રમમાં પણ થયો વિવાદ
સુન્નત જમાતે વિજયના અગાઉના આવા કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે વિજયે જ્યારે વિક્રમવંડીમાં તેનો પ્રથમ રાજકીય સંમેલન યોજ્યું હતું, ત્યારે ત્યાં સુવિધાઓના અભાવને કારણે લોકોને પાણી ન મળતા તેઓ હેરાન થઈ ગયા હતા. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને જમાતે હવે વિજય વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી છે.
શા માટે કાનૂની કાર્યવાહી જરૂરી
સુન્નત જમાતે જણાવ્યું કે આવી ઘટનાઓ ફરી ન થાય તે માટે કાનૂની કાર્યવાહી જરૂરી છે. તેમનું માનવું છે કે આ ફરિયાદ માત્ર પ્રચાર માટે નથી, પરંતુ ભવિષ્યમાં યોજાનાર આવા કાર્યક્રમો દરમિયાન સન્માન અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે છે. થલાપતિ વિજયના પિતા ખ્રિસ્તી છે જ્યારે તેની માતા હિન્દુ છે.
થલાપતિ વિજયની આગામી ફિલ્મ
થલાપતિ વિજયના કામની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ `જન નાયકન` છે. આ ફિલ્મનું દિગ્દર્શન એચ વિનોથ કરી રહ્યા છે. આ પૉલિટિકલ ડ્રામા અને એક્શનથી ભરપૂર ફિલ્મ હશે. આ ફિલ્મમાં પૂજા હેગડે, બૉબી દેઓલ, પ્રકાશ રાજ અને પ્રિયામણિ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
સુપરસ્ટારથી રાજકારણી બનેલા થલાપતિ વિજયે 7 માર્ચના પહેલા જુમ્માના દિવસે ચેન્નાઈમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. 2 માર્ચથી શરૂ થયેલા ઇસ્લામના પવિત્ર મહિને વિજયના આ પગલાની ભારે પ્રશંસા થઈ રહી છે. આ ઈફ્તાર પાર્ટીની તસવીરો અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે, જેમાં વિજય સફેદ કપડાં અને સ્કલ કૅપ પહેરેલો જોવા મળી રહ્યો છે. તે ઈફ્તારી પહેલાં દુઆ પણ કરતો જોવા મળ્યો હતો. થલાપતિ વિજયની આ ઈફ્તાર પાર્ટીનું આયોજન રોયાપેટ્ટાના YMCA મેદાનમાં કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માટે તમામ વ્યવસ્થા તેની રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. અહેવાલો મુજબ, આ ઈફ્તાર પાર્ટીમાં ચેન્નાઈની 15 મસ્જિદોના ઇમામોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને અંદાજે 3000 લોકોને રોકાવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.