‘રાજ્યાભિષેક થઈ ગયો હવે અહંકારી રાજા...’: PM મોદી પર રાહુલ ગાંધીનો શાબ્દિક વાર

28 May, 2023 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સંસદના ઉદ્ઘાટન બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે. એક ટ્વીટમાં પૂર્વ સાંસદ રાહુલે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો

ફાઇલ તસવીર

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા નવા સંસદ ભવન (New Parliament)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસદના ઉદ્ઘાટન બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આકરી પ્રતિક્રિયા આપી છે. એક ટ્વીટમાં પૂર્વ સાંસદ રાહુલે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, “રાજ્યભિષેક પૂર્ણ થઈ ગયો છે - `અહંકારી રાજા` રસ્તા પર જનતાના અવાજને કચડી રહ્યો છે.” નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને વિપક્ષ અને ભાજપ સરકાર વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સામસામે ટક્કર ચાલી રહી છે. વાસ્તવમાં વિપક્ષ ઈચ્છતો હતો કે નવી સંસદનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હાથે નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે થવું જોઈએ.

19 પક્ષોએ ઉદ્ઘાટન સમારોહમાં ન આપી હાજરી

આ કારણે વિપક્ષના 19 પક્ષોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહથી અંતર રાખ્યું હતું. તેમના ટ્વીટમાં, કૉંગ્રેસ નેતાએ જંતર-મંતર પર ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોની એક નાની ક્લિપ પણ શેર કરી છે. ક્લિપમાં, મહિલા કુસ્તીબાજોની ધરપકડને ગેરકાયદેસર ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ છે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ એ નવું સૂત્ર છે, પણ બેટીને કોનાથી બચાવો? ભાજપથી બચાવો.”

પીએમ મોદીએ સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ રવિવારે, 28 મેના રોજ સંસદની નવનિર્મિત ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની સીટ પાસે ઐતિહાસિક રાજદંડ `સેંગોલ` સ્થાપિત કર્યો હતો. સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, “તે 140 કરોડ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે.”

આ પણ વાંચો: આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાનું પ્રતિબિંબ છે: નવી સંસદમાં PM મોદીનું પહેલું ભાષણ

વડાપ્રધાને કહ્યું કે, “જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. દેશની વિકાસયાત્રાની કેટલીક ક્ષણો અમર બની જાય છે અને આજનો દિવસ એવો જ એક દિવસ છે.”

national news rahul gandhi narendra modi parliament new delhi