✕

પોલીસ-ઑફિસરો પર હુમલો કરવાના આરોપસર રાહુલ અને પ્રિયંકા ગાંધી સામે ૩ FIR દાખલ

09 October, 2026 12:05 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ ઘર્ષણના વાઇરલ વિડિયોમાં પ્રિયંકા ગાંધી કથિત રીતે એક મહિલા પોલીસ-ઑફિસરને કોણી મારતાં દેખાય છે,

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીમાં બુધવારે ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે ઇન્ડિયા બ્લૉકના વિરોધ-પ્રદર્શન દરમ્યાન ફરજ પરના પોલીસ-અધિકારીઓ પર હુમલો કરવા બદલ અને કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વાયનાડનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ૩ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા હતા. 
સળંગ બીજા દિવસે વિરોધ કરી રહેલા નેતાઓ કનૉટ પ્લેસની સાગર રત્ના રેસ્ટોરાંમાં લંચ કર્યા બાદ બસમાં નીકળ્યા હતા, પરંતુ સુરક્ષાદળોએ તેમને વિન્ડસર પૅલેસ પાસે રોક્યા હતા. બસમાંથી ઊતરીને પ્રિયંકા ગાંધી હાથમાં બંધારણની કૉપી લઈને સડક પર સૂઈ ગયાં હતાં. ‘આ મારી બહેન છે’ એવી બૂમ પાડીને રાહુલ ગાંધી પોલીસને પાછળ ધકેલતા અને બહેનનું રક્ષણ કરતા જોવા મળ્યા હતા.

આ ઘર્ષણના વાઇરલ વિડિયોમાં પ્રિયંકા ગાંધી કથિત રીતે એક મહિલા પોલીસ-ઑફિસરને કોણી મારતાં દેખાય છે, જ્યારે એક પ્રદર્શનકારીએ પોલીસને પાછળથી લાત મારી હતી. કૉન્સ્ટેબલ અંકિત કસાનાને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસની બળજબરી વચ્ચે તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રાને પણ ઈજા થઈ હતી. આ ઘટનાના વિરોધમાં કૉન્ગ્રેસે ગુરુવારે દેશભરમાં વધુ વિરોધ-પ્રદર્શનોનું એલાન કર્યું હતું.   

national news india rahul gandhi priyanka gandhi new delhi delhi news