ઊકળતા છોલેમાં પડી જવાથી ૧૮ મહિનાની બાળકીએ જીવ ગુમાવ્યો

02 July, 2025 09:31 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

બે વર્ષ પહેલાં તેની બહેનનું પણ આ રીતે ઊકળતી દાળમાં પડી જવાથી મૃત્યુ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ચાટ વેચનારા શૈલેન્દ્રની ૧૮ મહિનાની બાળકીનું ઊકળી રહેલા છોલેના વાસણમાં પડી જવાથી મૃત્યુ થયું હતું. બે વર્ષ પહેલાં ઊકળતી દાળના વાસણમાં પડી જવાથી તેની બહેનનું પણ આવી જ ઘટનામાં મૃત્યુ થયું હતું.

ગયા શુક્રવારે સવારે નવ વાગ્યે શૈલેન્દ્રએ છોલે માટે ચણાને ચૂલા પર ઊકળવા મૂક્યા હતા. શૈલેન્દ્ર અને તેની પત્ની થોડા સમય માટે કંઈક બીજા કામમાં વ્યસ્ત થયાં ત્યારે આ બાળકી રમતાં-રમતાં ચણા રાંધવામાં આવી રહ્યા હતા એ વાસણમાં પડી ગઈ હતી. બાળકીને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પછી તેને બીજી હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીએ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ સંદર્ભમાં સ્થાનિક પોલીસ-સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસર (SHO) મનોજ સિંહે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી નહોતી. શૈલેન્દ્રએ બીજા દિવસે તેની પુત્રીને નદીના કિનારે દફનાવી દીધી હતી. જોકે માહિતી મળ્યા પછી અને તપાસ હાથ ધર્યા પછી એ એક અકસ્માત હોવાનું જાણવા મળ્યું હતું.’

ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે

ભૂતકાળમાં પણ ઘણા વિસ્તારોમાં આવી ઘટનાઓ બની હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હરિયાણાના સોહના જિલ્લામાં ગરમ ​​પાણીના ટબમાં પડી જવાથી એક બાળકીનું મૃત્યુ થયું હતું. બાળકીની માતાએ કપડાં ધોવા માટે પાણી તૈયાર રાખ્યું હતું, પરંતુ જ્યારે તે વાંદરાઓના જૂથને જોઈને બારીઓ બંધ કરવા દોડી ગઈ ત્યારે તેની બાળકી ટબ સુધી સરકી ગઈ અને અંદર પડી ગઈ હતી.

૨૦૧૮માં મુંબઈમાં ૧૮ મહિનાની એક બાળકી કઢાઈમાં પડી જવાથી મૃત્યુ પામી હતી. તે ઘરની આસપાસ રમી રહી હતી અને આકસ્મિક રીતે ગરમ પાણીના વાસણમાં પડી ગઈ હતી. તે લગભગ ૮૦ ટકા બળી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું.

૨૦૧૪માં એક બાળકી જલેબી બનાવવા માટે વપરાતા ઊકળતી ખાંડની ચાસણીના વાસણમાં પડી ગઈ હતી. દિલ્હીના ત્રિલોકપુરીના એક બજારમાં બાળકી તેની માતાના હાથમાં હતી ત્યારે એક ઈ-રિક્ષાએ તેને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે બાળકી ગરમ પાણીના વાસણમાં પડી ગઈ હતી.

uttar pradesh food news national news news street food