કોઈ પણ ક્રાઇમ થ્રિલરને ઝાંખી પાડી દે એવી સ્ટોરી છે ગ્વાલિયરની પૂજાની

05 July, 2025 08:23 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

પહેલા પતિના મર્ડરનો પ્રયાસ કર્યો, બીજા પતિના મોત પછી જેઠ સાથે લગ્ન કર્યાં અને સસરા સાથે પણ સંબંધ રાખ્યા; છેલ્લે સાસુની હત્યા કરાવી એમાં પકડાઈ

પૂજા જાટવ

મધ્ય પ્રદેશના ઇન્દોરની સોનમ રઘુવંશીએ હનીમૂન પર તેના પતિ રાજા રઘુવંશીની મેઘાલયમાં હત્યા કરાવી દીધી એ સમાચાર વાંચીને આખો દેશ ચોંકી ગયો છે ત્યારે હવે મધ્ય પ્રદેશના ગ્વાલિયરની પૂજા જાટવના કૌભાંડે તો લોકોને વધુ ચોંકાવી દીધા છે. લોભ અને કપટ હેઠળ ખૂબસૂરત ચહેરો અને મારકણી અદાઓથી પૂજા જાટવે એક પરિવારને વિખેરી નાખ્યો છે.

૨૯ વર્ષની પૂજાએ બે લગ્ન કર્યાં હતાં. તેના ઘણા પુરુષો સાથે સંબંધો હોવા ઉપરાંત તેને તેના જેઠ અને સસરા સાથે પણ સંબંધ હોવાનો આરોપ મુકાયો છે. પૂજાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા સનસનાટીભર્યા ગુનાઓ કર્યા હતા, પણ આ બધાનો ખુલાસો ૨૪ જૂને તેની ૬૦ વર્ષની સાસુ સુશીલાદેવીની હત્યા કરવામાં આવી ત્યારે થયો હતો. મધ્ય પ્રદેશને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ઝાંસીના તાહરૌલી વિસ્તારમાં સુશીલાદેવીની હત્યા કરવામાં આવી હતી. ઘરમાંથી ઘરેણાં પણ ગાયબ હતાં. તેથી પોલીસે શરૂઆતમાં પ્રતિકારને કારણે લૂંટ અને હત્યાના કેસ તરીકે તપાસ શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. શંકાના આધારે પોલીસે પુત્રવધૂ પૂજા જાટવની પૂછપરછ કરી અને તેની કબૂલાત સાંભળીને પોલીસ દંગ રહી ગઈ હતી. પૂજાએ ગુનો કબૂલી લીધો એ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં પૂજાની બહેન કામિની અને બહેનના બૉયફ્રેન્ડ અનિલની પણ ધરપકડ કરવામાં આવી છે.

પહેલાં પ્રેમલગ્ન

પૂજા જાટવે લગભગ ૧૧ વર્ષ પહેલાં મધ્ય પ્રદેશમાં રેલવેમાં કામ કરતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. થોડાં વર્ષો સુધી બન્ને વચ્ચે બધું બરાબર ચાલ્યું, પણ પતિની ઓછી આવક અને પૂજાની વધુ જરૂરિયાતોના પગલે બેઉ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. એવો આરોપ છે કે પૂજાએ તેના પતિને મારવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. તેના પતિને ગોળી મારવામાં આવી હતી, પરંતુ તે બચી ગયો હતો. તેણે પૂજા વિરુદ્ધ કેસ કર્યો. પૂજા થોડા દિવસ જેલમાં પણ રહી. જામીન મળ્યા પછી તે કોર્ટનાં ચક્કર લગાવવા લાગી.

કોર્ટમાં નવો પ્રેમ મળ્યો

કોર્ટમાં તે ઝાંસીના રહેવાસી કલ્યાણ રાજપૂતને મળી. ક્રિમિનલ રેકૉર્ડ ધરાવતા કલ્યાણ પર ઘણા કેસ નોંધાયેલા હતા. તેઓ મિત્ર બન્યાં અને પછી પ્રેમમાં પડ્યાં. અલગ-અલગ જાતિ અને પૂજાના છૂટાછેડા બાકી હોવાને કારણે તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં. બન્ને થોડાં વર્ષ સુધી સાથે રહ્યાં, પરંતુ કલ્યાણનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું. કલ્યાણના મૃત્યુ પાછળ થતી વિધિઓ વખતે પૂજા કલ્યાણના ઘરે પહોંચી અને રડવા લાગી તેથી પરિવારે તેને સ્વીકારી લીધી.

પતિના મોટા ભાઈ સાથે લગ્ન કર્યાં

કલ્યાણના મોટા ભાઈ સંતોષ અને પિતા અજય સિંહે પૂજાને ઘરમાં રહેવા જણાવ્યું. પૂજા તેમની સાથે રહેવા સંમત થઈ. પૂજાએ થોડા જ સમયમાં ઝાંસીમાં સંતોષની સાથે સંબંધ શરૂ કરી દીધો. સંતોષને રાગિણી નામની પત્ની અને એક બાળક હોવા છતાં તેણે પૂજાની સાથે લગ્ન કરી લીધાં. આ કારણે રાગિણી નારાજ થઈને પિયર જતી રહી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં પોલીસસૂત્રોને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે પૂજાએ તેના સસરા સાથે પણ સંબંધ વિકસાવ્યા હતા. પૂજા અને સંતોષને એક પુત્રી પણ હતી.

જમીન વેચવામાં સાસુ અવરોધ બની

હવે પૂજા કલ્યાણના ભાગની ૮ વીઘા વેચવા માગતી હતી. સંતોષ અને અજય પણ સંમત હતા, પરંતુ સુશીલા તૈયાર નહોતી. તેણે જમીનના વેચાણનો વિરોધ કર્યો. આ પછી પૂજાએ તેની સાસુને રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. આ માટે તેણે બહેન કામિની અને તેના બૉયફ્રેન્ડ અનિલ વર્માનો સંપર્ક કર્યો અને અડધી જમીન આપવાની લાલચ આપી.

સાસુની હત્યા કરાવી

પૂજાની પુત્રીનો જન્મદિવસ ૨૪ જૂને હતો. આ માટે તેણે સંતોષ અને સસરા અજયને ગ્વાલિયર બોલાવ્યા. જ્યારે બન્ને ત્યાં પહોંચ્યા ત્યારે પૂજાએ કામિની અને અનિલ વર્માને ઝાંસી મોકલી દીધાં. તેમણે સુશીલાદેવીને ચા પીવડાવી, ઝેરનું ઇન્જેક્શન આપી દીધું અને ઘરમાંથી ૮ લાખ રૂપિયા અને ઘરેણાંની ચોરી કરીને નાસી ગયાં. બીજા દિવસે સુશીલાનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો. લૂંટના ઇરાદે હત્યાનો કેસ નોંધાયો હતો અને સુશીલાના અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા.

રાગિણી પર શંકા

સુશીલાની હત્યાના સમાચાર સાંભળીને સંતોષ અને અજય તરત જ ઝાંસી આવ્યાં. સૌપ્રથમ શંકા સંતોષની પહેલી પત્ની રાગિણી પર વ્યક્ત કરવામાં આવી હતી, જે થોડા મહિના પહેલાં ઘર છોડીને ચાલી ગઈ હતી. જોકે સાસુની હત્યાની વાત સાંભળીને તે પણ ઝાંસી આવી હતી, પરંતુ પૂજા ત્યાં પહોંચી નહોતી.

પૂજા પર શંકા

પોલીસની પૂછપરછ દરમ્યાન સંતોષ અને અજયે જણાવ્યું કે તેઓ પુત્રવધૂ પૂજાને મળવા ગ્વાલિયર ગયા હતા. જોકે જ્યારે પૂજા ઘરે ન આવી ત્યારે પોલીસે તેના પર શંકા કરી. પૂજાની પૂછપરછ કરવામાં આવી અને ટેક્નિકલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા ત્યારે પૂજા ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસે કામિની અને અનિલ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  

madhya pradesh indore murder case crime news national news news relationships Jhansi