✕

નેપાલમાં ઉતરાણની તૈયારી વખતે બે હેલિકૉપ્ટરની ટક્કર

04 November, 2026 11:38 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

એક ભારતીય પ્રવાસીએ જીવ ગુમાવ્યો, બે પાઇલટ સહિત ૩ ઘાયલ

નેપાલમાં બે હેલિકૉપ્ટર ટકરાયાં એની પહેલાંની અને પછીની ક્ષણ.

નેપાલના માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં ઉતરાણ કરવાની તૈયારી કરતી વખતે ગઈ કાલે સવારે ૮.૧૧ વાગ્યે બે હેલિકૉપ્ટર અથડાયાં હતાં અને આ દુર્ઘટનામાં એક ભારતીય પ્રવાસી વસંતકુમાર બાલારામારામાડુએ જીવ ગુમાવ્યો હતો. બેઉ હેલિકૉપ્ટરના પાઇલટ અને ન્યુ ઝીલૅન્ડના એક ભારતીય મૂળના નાગરિક શૈલેષ કૃષ્ણ પટેલ ઘાયલ થયા હતા. તેમને કાઠમાંડુની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

નેપાલમાં સોલુખુમ્બુ જિલ્લામાં પીક ટ્રેકિંગ સીઝનમાં ફેરિચે હેલિપૅડ પર આ અકસ્માત થયો હતો. ફિશટેલ ઍર અને ઍર ડાયનૅસ્ટી કંપનીનાં હેલિકૉપ્ટર એક જ જગ્યાએ ઉતરાણની કોશિશ કરતાં હતાં ત્યારે રોટર બ્લેડ આપસમાં ટકરાઈ જતાં આ અકસ્માત થયો હતો. એક હેલિકૉપ્ટર લુકલાથી આવ્યું હતું અને બીજું એવરેસ્ટ બેઝ કૅમ્પ નજીક ગોરક્ષેપથી પાછું ફરી રહ્યું હતું. બેઉ અલગ-અલગ દિશાએથી એક જ જગ્યાએ ઊતરવાની કોશિશ કરી રહ્યાં હતાં. નેપાલમાં પહાડો, ખીણો, સતત બદલાતા મોસમ અને જોખમી રનવેને કારણે આવા અકસ્માત થાય છે.

national news india nepal mount everest plane crash