10 January, 2026 01:02 PM IST | Udaipur | Gujarati Mid-day Correspondent
ઉદયપુર ભારતનાં સૌથી લોકપ્રિય ટૂરિઝમ ડેસ્ટિનેશનોમાંનું એક છે
ઉદયપુરના એક રહેવાસીએ રાજસ્થાનના આ લોકપ્રિય શહેરમાં વધતી ભીડ, મોંઘવારી અને કલ્ચરલ-ચેન્જ વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફરિયાદ કરી છે. ઉદયપુર ભારતનાં સૌથી લોકપ્રિય ટૂરિઝમ ડેસ્ટિનેશનોમાંનું એક છે અને એને પ્રમોટ પણ ખૂબ કરવામાં આવે છે, જ્યારે સ્થાનિક લોકોને અહીં વધી રહેલા ટૂરિઝમ સાથે નવા-નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે એવી ફરિયાદ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં કરવામાં આવી છે. તે રહેવાસીએ કહ્યું હતું કે ‘ઉદયપુરના લોકલ રેસિડન્ટ તરીકે હું હવે મારા શહેરની મજા જ માણી શકતો નથી. આટલી બધી ભીડ, દરેક ખૂણે ટ્રાફિક ખૂબ ત્રાસદાયી છે. લોકોનું અહીં સ્વાગત છે, પણ આટલી બધી ભીડ સહન નથી થતી. હું કંટાળી ગયો છું. પહેલાં હું જે પબ્લિક પ્લેસિસ પર આરામથી હરીફરી શકતો હતો એવું હવે શક્ય નથી. કોઈ પણ સ્થળે આરામથી બેસાય એવું નથી. અહીંના કલ્ચરને પણ અસર થઈ રહી છે. ખાવાની વાનગીઓનાં નામ લોકલ ભાષામાં હતાં એને બદલે ટૂરિસ્ટને અનુકૂળ ભાષાનાં થઈ ગયાં છે. આવું જ રહ્યું તો થોડાં વર્ષોમાં આપણું આ શહેર માત્ર ટૂરિઝમ માટે રહેશે. પ્રૉપર્ટી, હોટેલો અને વેપારીકરણને લીધે સ્થાનિક લોકોએ અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જશે.’ પોસ્ટમાં આ યુઝરે ઓવર-ટૂરિઝમની સમસ્યા સામે લડવા માટે નિયમન કરવાની હાકલ કરી હતી. આ પોસ્ટને ઘણા લોકોએ પ્રતિસાદ આપ્યો હતો અને અન્ય યુઝર્સે પોતપોતાનાં શહેરો વિશે પણ ઓવર-ટૂરિઝમના અનુભવો શૅર કર્યા હતા.