યોગી આદિત્યનાથ હોય ત્યાં અન્યાય નહીં ચાલે

03 January, 2026 10:41 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

માફિયાના નિયંત્રણ હેઠળનું ઘર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને ૨૪ કલાકમાં ખાલી કરાવીને મેજરની દીકરીને પાછું અપાવ્યું

સ્વર્ગસ્થ મેજર બિપિનચંદ્ર ભટ્ટની પુત્રી અંજના સાથે વાત કરી રહેલા યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કેવી રીતે કામ કરે છે એનો એક નમૂનો દેશને નવા વર્ષના પહેલા દિવસે જોવા મળ્યો હતો. સ્વર્ગસ્થ મેજર બિપિનચંદ્ર ભટ્ટની પુત્રી અંજનાના લખનઉમાં આવેલા ઘર પર કેટલાક લોકોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો, પણ ૩૧ ડિસેમ્બરે અંજના મુખ્ય પ્રધાનને મળી હતી અને પહેલી જાન્યુઆરીએ માત્ર ૨૪ કલાકમાં અંજનાને તેનું ઘર પાછું મળી ગયું હતું. માત્ર ૨૪ કલાકમાં યોગી આદિત્યનાથે અંજનાને તેનું ઘર પાછું અપાવ્યું હતું. પોતાના ઘરની અંદર પગ મૂકતાંની સાથે જ તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને તે બોલી પડી હતી, ‘થૅન્ક્યુ યોગી અંકલ. ભગવાન તમારું ભલું કરે.’

અંજના લાગણીસભર બની ગઈ હતી. દરેક રૂમની દીવાલને સ્પર્શ કરીને તેણે પોતાનો ભૂતકાળ યાદ કર્યો હતો. નાળિયેર તોડ્યું, પાણિયારે દીવો પ્રગટાવ્યો અને પાડોશની મહિલાઓને ગળે લગાવીને રડી પડી. આ દૃશ્ય જોઈને હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

પરિવાર વિખેરાઈ ગયો

અંજનાના પિતા મેજર બિપિનચંદ્ર ભટ્ટ ભારતીય સેનામાં સેવા આપતા હતા અને ૧૯૯૪માં તેમનું અવસાન થયું હતું. તેમના પરિવારમાં બે પુત્રીઓ અને એક પુત્ર હતો. સમય જતાં એક પુત્ર અને પુત્રીનું પણ અવસાન થયું હતું. આ દુઃખથી ભાંગી જતાં અંજના ગંભીર માનસિક બીમારી (સ્કિઝોફ્રેનિયા)થી પીડાતી હતી. ૨૦૧૬થી તે પુનર્વસન કેન્દ્રમાં સારવાર લઈ રહી છે.

ઘર પચાવી પાડ્યું

આ પરિસ્થિતિનો લાભ લઈને ચંદૌલી જિલ્લાના બળવંત યાદવ ઉર્ફે બબલુ અને મનોજ યાદવે બનાવટી વસિયતનામું અને બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને અંજનાના લખનઉના ઇન્દિરાનગરમાં આવેલા ઘર A-418 પર કબજો જમાવ્યો હતો. અંજનાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે ૬ ડિસેમ્બરે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કાર્યવાહીમાં વિલંબ થયો. અંતે ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બરે અંજના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળી અને પોતાની વાત રજૂ કરી હતી.

લખનઉનું ઘર પાછું મળ્યા પછી આભાર પ્રગટ કરતી અંજના

તાબડતોબ કાર્યવાહી

સૈનિકની દીકરીની ફરિયાદ સાંભળીને મુખ્ય પ્રધાને ૨૪ કલાકમાં ન્યાયની ખાતરી આપીને તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાનની સૂચના મળતાં સ્થાનિક પ્રશાસન અને પોલીસ કાર્યવાહીમાં લાગી ગઈ. ગુરુવારે બપોર પહેલાં તપાસ પૂર્ણ થઈ અને ગેરકાયદે કબજો દૂર કરવામાં આવ્યો. અંજનાને તેનું ઘર પાછું મળ્યું. પોલીસે મુખ્ય આરોપી બળવંત કુમાર યાદવ અને તેના સાથી મનોજ કુમાર યાદવની ધરપકડ કરી હતી. ગાઝીપુરના ઍડિશનલ પોલીસ-કમિશનર એ. વિક્રમ સિંહે જણાવ્યું હતું કે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ચોકીનો ઇન્ચાર્જ સસ્પેન્ડ

આ સમગ્ર કેસમાં એક ચોકી-ઇન્ચાર્જ પર પણ બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ‘ભૂમિ માફિયાઓ સામે ઝીરો ટૉલરન્સ  નીતિ’ને કારણે ગરીબ અને લાચાર અંજનાને ઝડપથી ન્યાય મળ્યો હતો. અંજનાનો આ વિજય સમગ્ર રાજ્ય માટે એક સંદેશ છે કે ઉત્તર પ્રદેશમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને અન્યાય સહન કરવો નહીં પડે.

uttar pradesh yogi adityanath national news news