મેરઠથી પ્રયાગરાજ પહોંચવામાં હવે ૧૧ કલાકને બદલે ૬ કલાક લાગશે

30 April, 2026 09:46 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના સૌથી લાંબા એક્સપ્રેસવેનું નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન : ૫૯૪ કિલોમીટર લાંબો એક્સપ્રેસવે ૩૬,૩૨૦ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો

હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન વખતે આખા માર્ગના મુખ્ય માઇલસ્ટોન્સ દર્શાવતું રેતશિલ્પ નિહાળી રહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ અને ગવર્નર આનંદીબહેન પટેલ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં રાજ્યના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતી વખતે વડા પ્રધાને જાહેરાત કરી હતી કે આ એક્સપ્રેસવેને હરિદ્વાર સાથે પણ જોડવામાં આવશે. તેમણે એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરતાં પહેલાં એના એક કિનારે છોડ રોપ્યો હતો. મેરઠથી પ્રયાગરાજ વચ્ચેનું અંતર પહેલાં ૧૧ કલાકમાં કપાતું હતું જે હવે ૬ કલાકમાં પૂરું થશે.

ગંગા એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશના ૧૨ જિલ્લાઓમાંથી પસાર થતો હોવાથી ખાસ છે. ૫૯૬ કિલોમીટર લાંબા ૬ લેનના એક્સપ્રેસવે પર રમ્બલ-સ્ટ્રિપ્સ એટલે કે થોડીક ઊભરેલી પટ્ટીઓ બનાવવામાં આવી છે જેના પર ટાયર આવતાં જ ડ્રાઇવરને હળવાં વાઇબ્રેશન્સ મહેસૂસ થતાં હોવાથી ડ્રાઇવરની અલર્ટનેસ જળવાય છે અને અકસ્માતની સંભાવના ઘટે છે. આ લાંબા એક્સપ્રેસવે પર દર ૭૫ કિલોમીટરે એક પેટ્રોલ-પમ્પ બનાવવામાં આવ્યો છે. ૩૬,૩૨૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ એક્સપ્રેસવે પર સ્પીડ-લિમિટ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. 

ઍરસ્ટ્રિપ

એક્સપ્રેસવે પર શાહજહાંપુર અને જલાલાબાદ પાસે ૩.૫ કિલોમીટરની ઍરસ્ટ્રિપ બનાવવામાં આવી છે જે દેશની પહેલી નાઇટ લૅન્ડિંગ ઍરસ્ટ્રિપ છે. આ સાથે ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં ૪ એક્સપ્રેસવે પર ઍરસ્ટ્રિપ હોય. 

મહત્ત્વના મતદાન વખતે નરેન્દ્ર મોદી મંદિરમાં

જ્યારે પણ ચૂંટણીઓમાં મહત્ત્વના તબક્કાનું મતદાન થવાનું હોય કે રિઝલ્ટ આવવાનાં હોય ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રભુના શરણે જતા હોય છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું દંગલ મચી રહ્યું હતું ત્યારે તેમણે વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં ડમરુ વગાડીને ત્રિશૂળ દેખાડ્યું હતું અને વિશ્વનાથ મહાદેવની પૂજા કરી હતી. અહીં તેમણે વિક્રમાદિત્ય વેદિક ઘડિયાળ કઈ રીતે કામ કરે છે એ જાણવાની કોશિશ કરી હતી. 

narendra modi uttar pradesh prayagraj meerut yogi adityanath national news news